GPSC વર્ગ 1 અને 2 ની લાંબા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયાને વેગ: 25 એપ્રિલ આસપાસ શરૂ થશે ઈન્ટરવ્યૂ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની સીધી ભરતી માટે લેવાનારી રૂબરૂ મુલાકાતની તારીખો અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી અટકેલી આ ભરતી પ્રક્રિયાના ઈન્ટરવ્યૂ આગામી 25 એપ્રિલ, 2026 ની આસપાસ શરૂ થવાની શક્યતા છે.
વર્ષ 2023-24 ની જાહેરાત ક્રમાંક 47 અન્વયે થશે રૂબરૂ મુલાકાત
આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, જાહેરાત ક્રમાંક 47/2023-24 હેઠળની મહત્વની પોસ્ટ્સ માટે આ રૂબરૂ મુલાકાત યોજાવા જઈ રહી છે. આ જગ્યાઓમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2, તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 નો સમાવેશ થાય છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે ભરતી બોર્ડ દ્વારા આગળની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.
5 ડિસેમ્બર 2025 ના રોજ જાહેર થઈ હતી પાત્ર ઉમેદવારોની યાદી
નોંધનીય છે કે, આ ભરતી પ્રક્રિયામાં મુખ્ય લેખિત પરીક્ષાના પરિણામ બાદ રૂબરૂ મુલાકાત (ઈન્ટરવ્યૂ) માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી અગાઉ 5 ડિસેમ્બર, 2025 ના રોજ જ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરી દેવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ઈન્ટરવ્યૂની તારીખો જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો હતો. હવે આયોગે સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે પાત્ર ઉમેદવારોના ઈન્ટરવ્યૂ 25 એપ્રિલ, 2026 ની આસપાસના સમયગાળામાં શરૂ કરવામાં આવશે.
વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં વેબસાઈટ પર મુકાશે
હાલમાં આયોગ દ્વારા માત્ર ઈન્ટરવ્યૂ શરૂ થવાનો અંદાજિત સમયગાળો જ જાહેર કરવામાં આવ્યો છે. આયોગ દ્વારા તમામ સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવાયું છે કે, દરેક ઉમેદવાર માટેની રૂબરૂ મુલાકાતનો ચોક્કસ દિવસ, સમય અને સ્થળ દર્શાવતો વિગતવાર કાર્યક્રમ આગામી સમયમાં GPSC ની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોને નિયમિતપણે વેબસાઈટ જોતા રહેવા સૂચના આપવામાં આવી છે.
આગામી સમયમાં આ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આખરી પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ બાદ રાજ્ય સરકારના વિવિધ વહીવટી વિભાગોમાં વર્ગ 1 અને 2 ના નવા અધિકારીઓની નિમણૂક થશે, જેનાથી વહીવટી કામગીરી વધુ ઝડપી અને સુદ્રઢ બનશે.