જેન્ડર ચેન્જ સર્જરીનો વધતો ક્રેઝ: માત્ર મરજી નહિ મંજુરી પણ જરૂરી, જાણો ખર્ચ અને પ્રક્રિયા
જ્યારે કોઈ વ્યક્તિને એવો અનુભાસ થાય કે તેનું શરીર અને તેના મનના વિચારો એકબીજાથી વિપરીત છે, ત્યારે તે સ્થિતિને તબીબી ભાષામાં 'જેન્ડર ડિસ્ફોરિયા' કહેવામાં આવે છે. આ માનસિક અને શારીરિક દ્વંદ્વમાંથી મુક્તિ મેળવવા અને પોતાની સાચી ઓળખ સ્થાપિત કરવા માટે હવે ઘણા લોકો જેન્ડર ચેન્જ સર્જરીનો સહારો લઈ રહ્યા છે.
તાજેતરમાં ભારતના પૂર્વ ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યને જેન્ડર ચેન્જ સર્જરી કરાવી 'અનાયા' તરીકે નવી ઓળખ મેળવતા આ વિષય ફરી ચર્ચામાં આવ્યો છે. ગુજરાતમાં પણ આ પ્રકારની સર્જરી કરાવનારાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સુરતના અલિશા પટેલ ગુજરાતના પ્રથમ પ્રમાણિત ટ્રાન્સવુમન બન્યા બાદ આ દિશામાં જાગૃતિ વધી છે.
સર્જરીની પ્રક્રિયા અને ખર્ચ:
તબીબી નિષ્ણાંતોના મતે, લિંગ પરિવર્તનની પ્રક્રિયા જટિલ અને લાંબી છે:
પુરુષમાંથી સ્ત્રી: આ ઓપરેશન અંદાજે 3 થી 3.5 કલાકમાં પૂર્ણ થઈ શકે છે. જેમાં લેઝર હેર રિમૂવલ અને ચહેરાને સ્ત્રી જેવો બનાવવા બોટોક્સ ઈન્જેક્શનનો ઉપયોગ થાય છે.
સ્ત્રીમાંથી પુરુષ: આ પ્રક્રિયા પાંચ તબક્કામાં વહેંચાયેલી છે. જેમાં ગર્ભાશય-ઓવરી દૂર કરવાથી લઈ પ્રાઈવેટ પાર્ટ બનાવવા સુધીના ઓપરેશનો સામેલ છે.
ખર્ચ: આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 10 લાખથી વધુનો ખર્ચ થાય છે અને પૂર્ણ થતા 1 થી 1.5 વર્ષનો સમય લાગે છે.
કાયદાકીય અને માનસિક પાસાઓ
જેન્ડર ચેન્જ કરાવવા માટે માત્ર ઈચ્છા હોવી પૂરતી નથી, પરંતુ તેની કડક પ્રક્રિયા અનુસરવી પડે છે. અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. સિવિલ હોસ્પિટલમાંથી રેફરલ લેટર અને મનોચિકિત્સકનું સર્ટિફિકેટ અનિવાર્ય છે. કોઈપણ દબાણ વગર સર્જરી કરાવી રહ્યા છે તેવી વિવિધ એફિડેવિટ કરવી પડે છે. તેમજ વ્યક્તિને કોઈ અન્ય માનસિક બીમારી નથી તેની ખાતરી કરવા સાયકોલોજીકલ ટેસ્ટ લેવામાં આવે છે.
અમદાવાદ સિવિલના આંકડા
છેલ્લા 7 વર્ષમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ દ્વારા 50 થી વધુ રેફરલ લેટર આપવામાં આવ્યા છે. જેમાં:
સ્ત્રીમાંથી પુરુષ બનવા માટે: 25 લેટર
પુરુષમાંથી સ્ત્રી બનવા માટે: 10 લેટર
કિન્નર બનવા માટે: 18 લેટર
તજજ્ઞોનું કહેવું છે કે 12-13 વર્ષની ઉંમરે બાળકના હાવભાવ પરથી જેન્ડર ડિસ્ફોરિયાના લક્ષણો પારખી શકાય છે. આવા સમયે પરિવારે ડરવાને બદલે બાળકને માનસિક સહકાર આપવો જોઈએ.