ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: વાંધા અરજી માટે 4 એપ્રિલ અંતિમ તારીખ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જવાબો અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય, તેઓ આગામી 4 એપ્રિલ 2026 સુધીમાં નિયત ફોર્મેટમાં ઈ-મેલ મારફતે પોતાની રજૂઆત કરી શકશે.
મુખ્ય 4 વિષયોની 3 માધ્યમમાં આન્સર-કી મુકાઈ
શિક્ષણ બોર્ડની અખબારી યાદી મુજબ, ફેબ્રુઆરી/માર્ચ-2026 માં લેવાયેલી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ગણિત (050), રસાયણવિજ્ઞાન (052), ભૌતિકવિજ્ઞાન (054) અને જીવવિજ્ઞાન (056) વિષયના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20 ની આન્સર-કી જાહેર કરાઈ છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રોવિઝનલ આન્સર-કી વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી મેળવી શકે છે.
ઈ-મેલ મારફતે વાંધા અરજી કરવા માટેની પ્રક્રિયા
આન્સર-કી અંગે જો કોઈ વિદ્યાર્થીને રજૂઆત હોય, તો તેમણે બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવેલા નિયત નમૂનામાં વિષયવાર, માધ્યમવાર અને પ્રશ્નદીઠ અલગ-અલગ રજૂઆત તૈયાર કરવાની રહેશે. આ રજૂઆત સત્તાવાર ઈ-મેલ આઈડી gshsebsciencekey@gmail.com પર તારીખ 4 એપ્રિલ 2026, શનિવારના રોજ સાંજે 18:00 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે સમયમર્યાદા વીત્યા બાદ કે ઈ-મેલ સિવાયના અન્ય કોઈ માધ્યમથી આવેલી રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
પ્રશ્નદીઠ 500 રૂપિયા ફી, વાંધો સાચો ઠરશે તો ફી પરત મળશે
વિદ્યાર્થીઓએ રજૂઆત કરતી વખતે પ્રશ્નદીઠ 500 રૂપિયાની નિયત ફી SBI બેંકના ચલણ મારફતે ભરવાની રહેશે, જેનો નમૂનો બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ઈ-મેલ દ્વારા રજૂઆત કરતી વખતે નાણાં ભરેલા ચલણની નકલ બીડાણ તરીકે ફરજિયાત મોકલવાની રહેશે. ચલણ વગરની અરજીઓ આપોઆપ રદ ગણાશે. બોર્ડ દ્વારા એક ખાસ રાહત પણ આપવામાં આવી છે કે, જો વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી રજૂઆત સાચી ઠરશે, તો તે પ્રશ્ન માટે ભરેલી ફી ઉમેદવારને પરત ચૂકવી દેવામાં આવશે.