મતપેટીઓ ખૂલે તે પહેલા જ ભાજપના આ ઉમેદવારો બની ગયા વિજેતા, પંચમહાલથી કચ્છ સુધી કેસરીયો લહેરાયો, જાણો કઈ-કઈ બેઠકો પરથી ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા...

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, પરંતુ મતદાનની પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ અનેક જિલ્લાઓમાં વિજયી શંખનાદ કરી દીધો છે. રાજ્યના પંચમહાલ, ખેડા, પાટણ અને કચ્છ જિલ્લામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષો દ્વારા ઉમેદવારી ન નોંધાવાતા અથવા ફોર્મ પરત ખેંચાતા ભાજપે ચૂંટણી પહેલાં જ પોતાનું વિજયી ખાતું ખોલાવીને વિરોધીઓ પર માનસિક સરસાઈ મેળવી લીધી છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો, કાલોલ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પર મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જે ભાજપ માટે એક મજબૂત શરૂઆત માનવામાં આવે છે.
બીજી તરફ ખેડા જિલ્લામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ખેડા તાલુકા પંચાયતની પરસાતજ બેઠક પર ભાજપના ઉમેદવાર રાયસંગ ગોહિલ સામે અન્ય કોઈ મજબૂત દાવેદાર ન હોવાથી તેઓ પણ બિનહરીફ ચૂંટાયા છે. આ વિજયથી ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત હોવાનું સાબિત થયું છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ કેસરીયો લહેરાયો છે. પાટણ તાલુકા પંચાયતની ટુવડ બેઠક પર ભાજપના ગાયત્રીબેન સિંધવ બિનહરીફ ચૂંટાતા કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. આ બેઠકો પર ભાજપની વ્યૂહરચના અને પક્ષની લોકપ્રિયતાને કારણે અન્ય પક્ષો મેદાન છોડવા મજબૂર બન્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે.
સાથોસાથ નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીના રણમેદાનમાં ભાજપે પોતાની રણનીતિના જોરે 10 ટકા બેઠકો પરિણામ પહેલા જ અંકે કરી લીધી છે. વિજેતા જાહેર થયેલામાં દેવસર બેઠક (ગણદેવી) અહીં ભાજપના ઉમેદવાર રેખાબેન બિપિનભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. બિગરી બેઠક (ગણદેવી) ભાજપના ભીખુભાઈ અમરતભાઈ પટેલ સામે કોઈ ઉમેદવાર ન રહેતા તેઓ વિજેતા બન્યા છે. ઘેજ બેઠક (ચીખલી) ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ સામે મેદાન ખાલી રહેતા તેઓ ફરી એકવાર વિજેતા જાહેર થયા છે.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે મતદાન પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજયનો શંખનાદ કરી વિરોધ પક્ષોના મનોબળ તોડી નાખ્યા છે. વ્યારા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ વોર્ડ નંબર 5માં એક અત્યંત રસપ્રદ અને ભાજપ માટે ઉત્સાહવર્ધક ચિત્ર સામે આવ્યું છે. આ વોર્ડમાં ભાજપના ચારેય મજબૂત ઉમેદવારો—નિમિષાબેન બાબુભાઇ ચૌધરી, દ્રષ્ટીબેન ચિરાગભાઈ અલમૌલા, અનિલભાઈ આત્મારામભાઈ શિરસાળે અને દિલીપભાઈ અમૃતભાઈ જાદવ—સામે કોંગ્રેસ કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ અથવા અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી.
સામાન્ય રીતે રસાકસીભરી જંગ માટે જાણીતી નગરપાલિકાની ચૂંટણીમાં આ રીતે મેદાન ખાલી કરી દેવું એ ભાજપની પકડ મજબૂત હોવાનો પુરાવો છે. વોર્ડ નંબર 5માં ભાજપની આ એકતરફી જીતે અન્ય વોર્ડના કાર્યકરોમાં પણ નવો જોમ ભર્યો છે. હાલ તો વ્યારાના રાજકારણમાં ભાજપનો દબદબો સાફ દેખાઈ રહ્યો છે અને વિપક્ષ ચૂંટણી પહેલા જ મેદાનમાંથી ગાયબ થતા લોકશાહીના આ પર્વમાં ભાજપનું પલડું ભારે થઈ ગયું છે.
કચ્છ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. નખત્રાણા નગરપાલિકામાં ભાજપે બે મહત્વની બેઠકો પર કબજો જમાવ્યો છે. નખત્રાણાના વોર્ડ નંબર 4માં મનન કલ્પેશભાઈ લુહાર અને વોર્ડ નંબર 5માં મધુબેન ચંદુભાઈ સુથાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે આ બંને બેઠકો બક્ષીપંચ (OBC) અનામત હેઠળ હતી, જ્યાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા ભાજપના ઉમેદવારો સીધા વિજેતા બન્યા છે. સરહદી જિલ્લા કચ્છમાં ચૂંટણીના શ્રીગણેશ જ જીત સાથે થતા આગામી સમયમાં ભાજપ ક્લીન સ્વીપ કરવાના આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે. આ તમામ બેઠકો પર મળેલી બિનહરીફ જીત એ ભાજપની સંગઠિત શક્તિ અને છેવાડાના માનવી સુધી પહોંચવાની નીતિનું પરિણામ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.