રામ મંદિર અને 370 બાદ હવે UCC...જનતાને આપેલું વચન પાળ્યું - પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર થવાને વધાવતા જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદીના વિઝનરી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નિર્ધાર હેઠળ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. 'એક રાષ્ટ્ર, એક કાયદો'ના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતનું આ મક્કમ ડગલું સામાજિક સમાનતાનો નવો સૂર્યોદય લાવશે. વિશ્વકર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ખાસ કરીને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ છે.
અત્યાર સુધી લગ્ન, વારસાઈ, દત્તક વિધાન અને છૂટાછેડા જેવા વિષયોમાં અલગ-અલગ કાયદાઓ અને વિસંગતતાઓને કારણે મહિલાઓએ અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. હવે આ કાયદો લાગુ થવાથી તમામ નાગરિકોને સમાન અધિકાર મળશે અને વિસંગતતાઓ દૂર થશે. જગદીશભાઈએ વધુમાં ઉમેર્યું કે, આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી, પરંતુ દાયકાઓના સતત સંઘર્ષ, ત્યાગ અને ભાજપાના વૈચારિક અધિષ્ઠાનને વળગી રહેવાનું પરિણામ છે.
દાયકાઓ સુધી વિપક્ષે માત્ર વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિ ખાતર UCCનો વિરોધ કર્યો છે. દેશને વિભાજિત રાખવાના પ્રયત્નો કરનારા તત્વોની હવે બોલતી બંધ થઈ ગઈ છે. જે લોકો કહેતા હતા કે રામ મંદિર ક્યારેય નહીં બને કે કલમ 370 હટશે તો લોહીની નદીઓ વહેશે, તેમને આજે ભાજપા સરકારે પોતાની મક્કમ કામગીરીથી જડબાતોડ જવાબ આપ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડને સામાજિક ન્યાય અને સમાનતા માટેનો માઈલસ્ટોન ગણાવતા વિશ્વકર્માએ કહ્યું કે, આ કાયદો કોઈ જાતિ, ધર્મ કે પંથના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન સ્તર પર લાવે છે.
'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્ર સાથે ચાલનારી ભાજપા સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા ન્યાય'ના સિદ્ધાંતમાં માને છે અને તે આજે ગુજરાતમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આ ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર કેબિનેટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, UCC ના અમલીકરણથી ગુજરાત સામાજિક સમરસતા અને સમાનતાના ક્ષેત્રે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડશે.