April 7, 2026
Breaking News

ગુજરાતના મોટા શહેરોમાં બોમ્બનો ફફડાટ : સુરત, અમદાવાદ અને વડોદરા RTO કચેરીઓને ઉડાવી દેવાની મળી ધમકી

11:36:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગુજરાતના મોટા શહેરોમાં બોમ્બનો ફફડાટ :</strong></span> સુરત, અમદાવાદ અને વડોદરા RTO કચેરીઓને ઉડાવી દેવાની મળી ધમકી</p>

ગુજરાતના મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર સ્થળો અને સંસ્થાઓને નિશાન બનાવીને આપવામાં આવતી બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ શાળાઓ, એરપોર્ટ અને કોર્ટ સંકુલ બાદ હવે રાજ્યના મહત્વના સરકારી વિભાગ એવા પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે RTOને નિશાન બનાવવામાં આવ્યું છે. સુરત, અમદાવાદ અને વડોદરાની RTO કચેરીઓને ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે હજારોની સંખ્યામાં અરજદારોથી ઉભરાતી આ કચેરીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તાત્કાલિક અસરથી સુરક્ષા પ્રોટોકોલ અમલી બનાવી દેવામાં આવ્યા હતા.

સુરત RTO કચેરીને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ
સુરતની વાત કરીએ તો, સુરત RTO કચેરીને મળેલા ધમકીભર્યા ઈ-મેઈલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. ધમકી મળતાની સાથે જ સુરક્ષાના કારણોસર સમગ્ર RTO પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. કચેરીમાં કામકાજ માટે આવેલા અરજદારો અને કર્મચારીઓને તાત્કાલિક બહાર નીકળી જવા સૂચના આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે RTOના ટ્રેક પર ચાલતી લાયસન્સ માટેની તમામ ટેસ્ટ પ્રક્રિયાઓ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. સુરત પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ખૂણેખૂણાની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદ RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
આ તરફ અમદાવાદના સુભાષબ્રિજ સ્થિત RTO કચેરીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. અમદાવાદ RTO ને પણ ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ કચેરીમાં અફરાતફરી મચી ગઈ હતી. ધમકીના મેઈલની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સલામતીના ભાગરૂપે આખું પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ કે પેકેટ છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે અમદાવાદમાં અગાઉ પણ ઘણી શાળાઓ અને એરપોર્ટને આ પ્રકારે નિશાન બનાવવામાં આવ્યા છે, ત્યારે હવે સરકારી કચેરીને મળેલી આ ધમકીએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

વડોદરા RTO કચેરીને ધમકી મળતા તપાસ તેજ 
વડોદરામાં પણ RTO કચેરીને આવી જ ધમકી મળતા ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. એકસાથે ત્રણ મોટા શહેરોની RTO કચેરીઓને નિશાન બનાવવામાં આવતા આ કોઈ સંગઠિત કાવતરું હોવાની શંકા પણ સેવાઈ રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં આ પ્રકારના મેઈલ ફેક હોવાની શક્યતા વધુ જણાય છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. સાયબર ક્રાઈમની ટીમ હવે આ ઈ-મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યા છે અને તેની પાછળ કોનો હાથ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. વારંવાર મળી રહેલી આવી ધમકીઓ પાછળ સામાન્ય જનતામાં ભય ફેલાવવાનો અને સરકારી તંત્રને વ્યસ્ત રાખવાનો હેતુ હોવાનું જણાય છે, છતાં નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.