ગુજરાત કોંગ્રેસ OBC વિભાગનું મોટું અભિયાન, પ્રદેશ ચેરમેન મહેશ રાજપૂતે સંગઠનમાં જોડાવાં માટે લોન્ચ કર્યો 'QR કોડ...
રાજકોટમાં આજે કોંગ્રેસ OBC ડિપાર્ટમેન્ટ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ચેરમેન મહેશ રાજપૂતે પછાત વર્ગના લોકોને પક્ષની વિચારધારા સાથે જોડવા માટે એક વિશેષ 'QR કોડ' લોન્ચ કર્યો હતો. "પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ"ના નારા સાથે લોન્ચ કરાયેલા આ ડિજિટલ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય OBC સમાજને અન્યાય સામે જાગૃત કરવાનો અને મોટી સંખ્યામાં લોકોને સંગઠન સાથે જોડવાનો છે.
આ પ્રસંગે મહેશ રાજપૂતે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા OBC સમાજને ન્યાય અપાવવા માટે લડાઈ લડી છે અને અનામતની માંગણી પણ કોંગ્રેસ દ્વારા જ રજૂ કરવામાં આવી હતી. તેમણે આંકડાકીય માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં OBC સમાજની વસ્તી 53 ટકા જેટલી છે, જેમાં 146 જેટલી વિવિધ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, છતાં તેમને પૂરતો હક મળતો નથી. આથી જ હવે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી અનિવાર્ય બની છે જેથી દરેક જ્ઞાતિને તેની વસ્તીના પ્રમાણમાં ન્યાય મળી શકે.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમે સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા એક પ્રેરક સૂત્ર આપ્યું હતું કે, "માંગવાથી ભીખ મળે, અધિકાર તો તમારે છીનવીને લેવો પડે." તેમણે આઉટ સોર્સિંગ પ્રથાને ભ્રષ્ટાચારનું મૂળ ગણાવતા કહ્યું હતું કે હાલમાં ગુજરાતમાં અંદાજે 4 લાખ લોકો આઉટ સોર્સિંગથી નોકરી કરી રહ્યા છે, જેના કારણે તેમના મૂળભૂત અધિકારો છીનવાઈ રહ્યા છે. રાજ્ય સરકારમાં હાલમાં 45 ટકા જગ્યાઓ ખાલી પડી છે, જો આ તમામ જગ્યાઓ કાયદેસરની ભરતી પ્રક્રિયા દ્વારા ભરવામાં આવે તો જ OBC અને અન્ય પછાત વર્ગોને અનામતનો સાચો લાભ મળી શકે. આઉટ સોર્સિંગના કારણે અનામત પ્રથા નબળી પડી રહી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
મહેશ રાજપૂત
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી ઋત્વિક મકવાણાએ ભાજપના શાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં OBC ડિપાર્ટમેન્ટને સતત અન્યાય જ થયો છે. બજેટની જોગવાઈઓમાં પણ આ સમાજની અવગણના કરવામાં આવે છે, જેના કારણે વિકાસના ફળ છેવાડાના માણસ સુધી પહોંચતા નથી. તેમણે વધુમાં એક ચોંકાવનારું વિધાન કરતા કહ્યું હતું કે, જે રીતે રાજકીય સ્થિતિ બદલાઈ રહી છે તે જોતા ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાય તો પણ નવાઈ નહીં. મકવાણાએ માંગ કરી હતી કે માત્ર સરકારી નોકરી જ નહીં, પરંતુ રાજકીય વ્યવસ્થામાં પણ OBC સમાજને યુનિટ વાઈઝ અનામત મળવી જોઈએ અને વસ્તી ગણતરીના નવા આંકડા મુજબ રાજકોટ સહિતના વિસ્તારોમાં OBC અને ST સમાજને વધુ અનામતનો લાભ આપવો જોઈએ. આ કાર્યક્રમમાં મહેશ રાજપૂત, વિક્રમ માડમ અને ઋત્વિક મકવાણાએ પોતાની વાત રજૂ કરીને આગામી સમયમાં આ લડાઈને વધુ તેજ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.