ગાંધીનગરમાં ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની સમીક્ષા બેઠક: સાયબર ગુનાઓ ડામવા પોલીસને ‘પ્રોએક્ટિવ’ થવા DGP ડૉ. કે.એલ.એન રાવનો આદેશ

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ની કામગીરી અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાયબર ગુનાઓના વધતા વ્યાપ અને ગુનેગારોની બદલાતી પદ્ધતિઓ સામે લડવા માટે પોલીસ તંત્રની ટેકનિકલ સજ્જતા અને વહીવટી પ્રક્રિયાઓને વધુ ધારદાર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ સહિત તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડિજિટલ ફ્રોડ સામે હેલ્પલાઇન 1930 અને ત્વરિત તપાસ પર ભાર
બેઠક દરમિયાન સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે સાયબર હેલ્પલાઇન 1930 દ્વારા મળતી ફરિયાદોના ત્વરિત નિવારણ અને નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં ટ્રાન્ઝેક્શન અટકાવવાની પ્રક્રિયા પર મંથન કરવામાં આવ્યું હતું. DGP દ્વારા નોંધાયેલી FIR ની ઝડપી તપાસ કરવા અને પીડિતોને તેમના નાણાં પરત અપાવવાની કામગીરીને અગ્રતા આપવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, ડેટા એનાલિટિક્સ, ડિજિટલ ફોરેન્સિક્સ અને રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ એકત્રિત કરવા માટે આધુનિક સાધનોના ઉપયોગ અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અધિકારીઓનું ક્ષમતા વર્ધન
રાજ્યમાં સાયબર સુરક્ષાના માળખાને મજબૂત કરવા માટે કચેરીના ભૌતિક વિકાસ અને માનવ સંસાધનોના સક્ષમીકરણ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓને નિયમિત તાલીમ અને વર્કશોપ દ્વારા અધ્યતન ટેકનોલોજીથી માહિતગાર કરવા પર ભાર મૂકતા DGPએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના યુગમાં પોલીસ અધિકારીઓએ સતત અપગ્રેડ થવું અનિવાર્ય છે. નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરોને સમર્પિત ભાવના સાથે સમયબદ્ધ રીતે ફરિયાદોનો નિકાલ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સાયબર લડતમાં ‘પ્રોએક્ટિવ અભિગમ’ અને જનજાગૃતિ અનિવાર્ય
સમીક્ષા બેઠકને સંબોધતા DGP ડૉ. કે.એલ.એન રાવે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “સાયબર ગુનાઓ સામેની લડતમાં 'પ્રોએક્ટિવ અભિગમ' અપનાવવો હવે અનિવાર્ય બની ગયો છે.” તેમણે અધિકારીઓને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધવા અને રિયલ-ટાઇમ માહિતી શેર કરવા તાકીદ કરી હતી. વધુમાં, નાગરિકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે શાળાઓ, કોલેજો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના માધ્યમથી વિશેષ અભિયાન ચલાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ બેઠકના અંતે પોલીસ મહાનિદેશકે સાયબર સેન્ટરની સમગ્ર ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે આ કેન્દ્રને સાયબર ક્રાઇમ સામે લડવા માટે દેશનું એક 'આદર્શ કેન્દ્ર' તરીકે વિકસાવવા માટે તમામ અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.