April 1, 2026
ગુજરાત

ગુજરાત : 12 વર્ષમાં પકડાયેલાં ડ્રગ્સમાથી 35 ટકા જથ્થો ગાયબ, પોલીસ કહે છે 'ઉંદર ખાઈ ગયા' અને કેગ કહે છે 'આ વાત ગળે ઉતરે તેવી નથી'...

12:51:00 PM
Save
Mar 26, 2026
Share :
<p>ગુજરાત : 12 વર્ષમાં પકડાયેલાં ડ્રગ્સમાથી 35 ટકા જથ્થો ગાયબ, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પોલીસ કહે છે 'ઉંદર ખાઈ ગયા' અને કેગ કહે છે 'આ વાત ગળે ઉતરે તેવી નથી'...</strong></span></p>

ગુજરાતમાં કેગ (CAG) દ્વારા રજૂ કરવામાં આવેલો તાજેતરનો અહેવાલ રાજ્યના પોલીસ તંત્રની કામગીરી અને જપ્ત કરાયેલા મુદ્દામાલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે. એક બાજુ પોલીસ ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહીના દાવા કરે છે, ત્યારે બીજી બાજુ પોલીસ સ્ટેશનોના નકામા ઓરડા સમાન ભાસતા માલખાનાઓમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ રહસ્યમય રીતે ગાયબ થઈ રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. કેગના અહેવાલ મુજબ, ઓગસ્ટ 2010 થી નવેમ્બર 2022 સુધીના અંદાજે 12 વર્ષના ગાળામાં ગુજરાત પોલીસની SOG સહિતની વિવિધ એજન્સીઓએ કુલ 6,510.54 કિલો ડ્રગ્સ અને 848 બોટલ નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા. જોકે, જ્યારે આ જથ્થાના નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે સરકારી ચોપડે નોંધાયેલા જથ્થા અને વાસ્તવિક જથ્થા વચ્ચે આભ જમીનનો તફાવત જોવા મળ્યો હતો.

આ આંકડાકીય વિસંગતતાની ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું છે કે ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 દરમિયાન જ્યારે જપ્ત કરાયેલા કેફી પદાર્થોનો નાશ કરવામાં આવ્યો, ત્યારે માત્ર 4,177,84 કિલો જથ્થો જ ઉપલબ્ધ હતો. આનો સીધો અર્થ એ થયો કે જપ્ત કરાયેલા કુલ જથ્થામાંથી 2,332.68 કિલો જેટલું ડ્રગ્સ, જે ટકાવારીની દ્રષ્ટિએ કુલ જથ્થાના 35 ટકા જેટલું થાય છે, તે ક્યાંક ગુમ થઈ ગયું છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ગાયબ થવા પાછળ જ્યારે ગૃહ વિભાગે એડીજીપી સીઆઈડી ક્રાઈમ પાસેથી ખુલાસો માંગ્યો, ત્યારે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલા કારણો ફિલ્મી વાર્તા જેવા અથવા હસવા જેવો ભાસે તેવા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અંદાજે 144 કિલો ગાંજો ચોરી થઈ ગયો છે, જ્યારે બાકીનો અધધ કહી શકાય તેવો જથ્થો ઉંદરો ખાઈ ગયા છે. આ ઉપરાંત એવો તર્ક પણ આપવામાં આવ્યો કે ગાંજો અને અફીણ જેવા પદાર્થો લાંબો સમય પડી રહેવાને કારણે તેમાંથી ભેજ ઉડી ગયો અને તેના પરિણામે વજનમાં ઘટાડો નોંધાયો છે.

પોલીસના આ વિચિત્ર ખુલાસાથી કેગ સંતુષ્ટ જણાઈ નથી અને અહેવાલમાં સ્પષ્ટપણે પોલીસની નિયત સામે શંકાની સોય તાકી છે. કેગે ટાંક્યું છે કે કુદરતી કારણોસર અથવા ભેજ સુકાવાને કારણે જથ્થામાં આંશિક ઘટાડો થઈ શકે એ સમજી શકાય તેવી વાત છે, પરંતુ 35 ટકા જેવો માતબર જથ્થો માત્ર ઉંદરો ખાઈ જાય અથવા ભેજ ઉડી જવાથી ઓછો થઈ જાય તે તર્ક ગળે ઉતરે તેમ નથી. આ ઘટના એ બાબત તરફ ઈશારો કરે છે કે ક્યાં તો માલખાનામાં રાખવામાં આવેલા ડ્રગ્સના જથ્થામાં મોટાપાયે હેરાફેરી કરવામાં આવી છે અથવા તો તેની સુરક્ષામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. કેગે આ બાબતે પુનર્વિચાર અને ઊંડી તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પોલીસ સ્ટેશનના જર્જરિત ઓરડાઓ અને CID ક્રાઈમના રેકોર્ડ વચ્ચેનો આ 35 ટકાનો તફાવત હવે વહીવટી તંત્ર માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે.