ઈરાન ઇઝરાઇલ યુદ્ધને લઈને ગલ્ફ દેશોમાં માલ અટવાતા ગુજરાતના હજારો કરોડોના બિઝનેસ પર જોખમ : ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયાનું નિવેદન...
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી સ્થિતિએ હવે વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા સર્જી છે, જેની સીધી અને ગંભીર અસર ભારત, ખાસ કરીને ગુજરાતના નિકાસકારો પર જોવા મળી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા આ યુદ્ધના કારણે લોજિસ્ટિક્સ ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે UAE અને ઓમાનના બંદરો પર અત્યારે અંદાજે 29,000 જેટલા કન્ટેનરો ફસાયેલા પડ્યા છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ વેપારીઓની ચિંતાનું મોટું કારણ છે, કારણ કે તેમાં ભારતની માલિકીના 5500થી વધુ કન્ટેનરોનો સમાવેશ થાય છે. આ કન્ટેનરો ગંતવ્ય સ્થાને પહોંચવાને બદલે દરિયાઈ પટ્ટી પર અટકી પડતા વેપારીઓના અબજો રૂપિયાનું રોકાણ જોખમમાં મુકાયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ અટવાયેલા કન્ટેનરોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે નિકાસકારોએ અંદાજે ₹275 કરોડનો વધારાનો આર્થિક બોજ વેઠવો પડે તેમ છે, જે નાના અને મધ્યમ કદના એકમો માટે કમરતોડ સાબિત થઈ શકે છે.
ગુજરાતના કૃષિ ક્ષેત્ર અને ખાસ કરીને ફળોના રાજા ગણાતી કેરીના વેપાર પર આ યુદ્ધની તલવાર લટકી રહી છે. ગલ્ફ દેશોમાં ગુજરાતમાંથી દર વર્ષે કરોડોની કેરી નિકાસ થાય છે, પરંતુ હાલમાં પેરિશેબલ ગુડ્સ એટલે કે જલ્દી બગડી જાય તેવી ચીજવસ્તુઓના 800થી વધુ કન્ટેનરો ગલ્ફમાં અટવાયા છે. ગુજરાતની અંદાજે ₹500 કરોડની કિંમતની કેરી આ કન્ટેનરોમાં સડી જવાની ભીતિ સેવાઈ રહી છે, જે ખેડૂતો અને નિકાસકારો માટે પાયમાલ કરનારી સ્થિતિ સર્જી શકે છે. માત્ર ખેતી જ નહીં, પરંતુ ટેક્સટાઇલ હબ ગણાતા ગુજરાતના ગારમેન્ટ ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ઈદના પવિત્ર તહેવાર સમયે ગલ્ફ દેશોમાં કપડાંની ભારે માંગ હોય છે, પરંતુ બરાબર આ જ સમયે ગારમેન્ટ ભરેલા કન્ટેનરો અટવાઈ જતાં અંદાજે ₹1500 કરોડના બિઝનેસ પર પાણી ફરી વળ્યું છે. સમયસર માલ ન પહોંચતા નિકાસકારોને ઓર્ડર કેન્સલ થવા અને પેમેન્ટ અટકી જવાની બેવડી માર પડી રહી છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજકીય સ્તરેથી પણ મદદની માંગ ઉઠી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે, આ આકસ્મિક કટોકટીમાં નિકાસકારોને બચાવવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ. નિકાસકારોએ અટવાયેલો માલ પરત લાવવા માટે જે વધારાનો ટ્રાન્સપોર્ટ કે રિટર્ન ચાર્જ ચૂકવવો પડે છે તે માફ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ, આર્થિક સંકટમાં ફસાયેલા એક્સપોર્ટર્સ માટે કેન્દ્ર સરકાર એક વિશેષ રાહત પેકેજ જાહેર કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે, જેથી ગુજરાતનો વેપાર ઉદ્યોગ ફરી બેઠો થઈ શકે અને વેપારીઓને થતું કરોડોનું નુકસાન અટકાવી શકાય. જો સરકાર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં એક્સપોર્ટ સેક્ટરની હાલત વધુ કફોડી બની શકે છે.