માછીમારી બોટના ડીઝલ ભાવમાં ભારત પેટ્રોલિયમ દ્વારા કરાયેલો રૂ. 22.43નો વધારો પાછો ખેંચાયો
રાજ્યના માછીમારો માટે એક અત્યંત રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીની કેન્દ્ર સરકારમાં કરવામાં આવેલી અસરકારક રજૂઆતના પગલે, માછીમારી બોટ માટે વપરાતા ડીઝલના ભાવમાં ભારત પેટ્રોલિયમ દ્વારા તાજેતરમાં કરાયેલો પ્રતિ લિટર 22.43 રૂપિયાનો તોતિંગ વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
BPCL દ્વારા અચાનક ઝીંકાયો હતો 22.43 રૂપિયાનો વધારો
ગુજરાત સરકારના મત્સ્ય સંઘ દ્વારા માછીમારોને સસ્તા અને ડિસ્કાઉન્ટ દરે ડીઝલ મળી રહે તે હેતુથી ભારત પેટ્રોલિયમ સાથે એક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ, તાજેતરમાં જ ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારોને અપાતા આ ડીઝલના ભાવમાં અચાનક પ્રતિ લિટરે 22.43 રૂપિયાનો મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી માછીમારોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી હતી.
રાજ્ય સરકારે કેન્દ્રમાં કરી સ્પેશિયલ એક્સેપ્શનની માંગ
આ ગંભીર આર્થિક બોજા અંગે વિવિધ માછીમારી સંસ્થાઓ, સ્થાનિક આગેવાનો અને ધારાસભ્યોએ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. માછીમારોની સમસ્યાની ગંભીરતાને પારખીને, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મંત્રી જીતુ વાઘાણીએ તાત્કાલિક કેન્દ્ર સરકાર સમક્ષ હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી. મંત્રીએ ભારપૂર્વક દલીલ કરી હતી કે જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમને ભાવ વધારામાંથી મુક્તિ અપાય છે, તેવી જ રીતે મત્સ્યોદ્યોગ ક્ષેત્રને પણ 'સ્પેશિયલ એક્સેપ્શન' ગણીને ખાસ રાહત આપવી જોઈએ. તેઓએ માછીમારોને 'કન્ઝ્યુમર સેગમેન્ટ' ના બદલે સામાન્ય 'રિટેલ ગ્રાહકો' ની સમકક્ષ ગણવા માટે આગ્રહ કર્યો હતો.
કેન્દ્રના આદેશથી માછીમારોને જૂના રાહત દરે જ મળશે ડીઝલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળની કેન્દ્ર સરકારે ગુજરાતના માછીમારોની આ વ્યાજબી અને તર્કબદ્ધ રજૂઆતને સ્વીકારી લીધી છે. કેન્દ્રના આદેશ બાદ ભારત પેટ્રોલિયમે માછીમારોની બોટમાં વપરાતા ડીઝલ પરનો 22.43 રૂપિયાનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચી લીધો છે. પરિણામે, રાજ્યના સાગરખેડુઓને હવે અગાઉ નક્કી થયેલા જૂના અને રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થતું રહેશે.
મંત્રીએ માન્યો કેન્દ્રનો આભાર
આ ત્વરિત અને હકારાત્મક નિર્ણય બદલ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને આગળ પણ રહેશે.