April 9, 2026
ગુજરાત

ગુજરાતમાં પનીર-ચીઝના ભેળસેળિયાઓ પર કાર્યવાહી : 2,701 એકમોને નોટિસ અને 18 એકમો સીલ, 703 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

06:25:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાતમાં પનીર-ચીઝના ભેળસેળિયાઓ પર કાર્યવાહી :</span> 2,701 એકમોને નોટિસ અને 18 એકમો સીલ, 703 કિલો અખાદ્ય જથ્થાનો નાશ</strong></p>

રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી મેગા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. 4 એપ્રિલથી શરૂ થયેલી આ ઝુંબેશમાં ખાસ કરીને પનીર અને ચીઝની શુદ્ધતા, તેની સાચી ઓળખ અને ગ્રાહક જાગૃતિ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ડ્રાઈવ દરમિયાન હજારો એકમોની તપાસ કરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યભરમાં 2,527 થી વધુ એકમોની આકસ્મિક તપાસ

ફૂડ સેફ્ટી ઓફિસરોની વિવિધ ટીમો દ્વારા રાજ્યભરમાં આવેલા પનીર અને ચીઝના ઉત્પાદકો, હોટલો, રેસ્ટોરન્ટ્સ અને હાઈવે પરના ઢાબાઓ સહિત કુલ 2,527 એકમોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્વચ્છતાના માપદંડો અને ગુણવત્તામાં કચાશ જણાતા 240 એકમોને વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ આકરો અભિગમ અપનાવતા ગંભીર અનિયમિતતા ધરાવતા 18 એકમોને સ્થળ પર જ સીલ કરી તેમની કામગીરી બંધ કરાવી દીધી છે.

મોટી માત્રામાં અખાદ્ય જથ્થાનો નાશ અને સેમ્પલિંગની કામગીરી

લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા ભેળસેળિયા તત્વો સામે લાલ આંખ કરતા તંત્રએ તપાસ દરમિયાન કુલ 703 કિલોગ્રામ અખાદ્ય પનીર અને ચીઝનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો છે. ગુણવત્તાની લેબોરેટરી ચકાસણી માટે વિવિધ એકમોમાંથી 95 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત, મોબાઈલ ફૂડ સેફ્ટી વાન દ્વારા પણ સક્રિય રીતે 659 એકમોની તપાસ કરવામાં આવી હતી.

એનાલોગ પનીર: નકલી નહીં પણ ડેરી પનીરનો વિકલ્પ

આ સ્પેશિયલ ડ્રાઈવ દ્વારા ગ્રાહકોમાં એક મહત્વપૂર્ણ સમજ વિકસાવવામાં સફળતા મળી છે. તંત્રએ સ્પષ્ટતા કરી છે કે બજારમાં ઉપલબ્ધ ‘એનાલોગ પનીર’ એ નકલી પનીર નથી, પરંતુ તે ડેરી પનીરના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતું ઉત્પાદન છે. ગ્રાહકો આ બંને વચ્ચેનો તફાવત સમજે અને સાચી ઓળખ સાથે ખરીદી કરે તે માટે વ્યાપક જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

ભવિષ્યમાં પણ કડક ઝુંબેશ ચાલુ રહેશે

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પનીર અને ચીઝના નામે થતી ભેળસેળ રોકવા માટેની આ સ્પેશિયલ ડ્રાઈવ ભવિષ્યમાં પણ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. તંત્ર દ્વારા ઉત્પાદકો અને વિક્રેતાઓને કડક સૂચના આપવામાં આવી છે કે ખાદ્ય પદાર્થોના વેચાણમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.