સુરતમાં પનીરના સેમ્પલ ફેઈલ થતા આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત : સુરતમાં 50 કરોડના ખર્ચે અને રાજ્યભરના અનેક શહેરોમાં શરૂ થશે અત્યાધુનિક લેબ...
સુરત શહેર SOG અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડવામાં આવેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના સેમ્પલ પરીક્ષણમાં ફેઈલ સાબિત થયા છે, જેને પગલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ આકરી પ્રતિક્રિયા આપતા આ મામલે કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રીએ આ બદલ સુરત પોલીસ અને પાલિકાની ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, જે લોકો સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે તેમનો માત્ર કાયદેસર જ નહીં પરંતુ સામાજિક રીતે પણ બહિષ્કાર કરવો અનિવાર્ય છે. સસ્તા ભાવે મળતું ઘી અને પનીર ખરીદતી વખતે સાવચેત રહેવાની અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે આવા તત્વો નફો કમાવવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં મૂકતા અખાદ્ય પદાર્થોનું વેચાણ કરે છે, જે અત્યંત નિંદનીય છે. આ કેસમાં કસૂરવારો વિરુદ્ધ અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવીને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ધાર મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા જળવાઈ રહે અને ભેળસેળિયાઓ પર પકડ મજબૂત બને તે હેતુથી આરોગ્ય મંત્રીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ શહેરોમાં અત્યાધુનિક ટેસ્ટિંગ લેબ શરૂ કરવામાં આવનાર છે જેથી લેવાયેલા નમૂનાઓનો રિપોર્ટ ઝડપથી આવી શકે. ખાસ કરીને સુરતમાં આધુનિક લેબોરેટરી બનાવવા માટે 50 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી દેવામાં આવી છે, જે આગામી સમયમાં ભેળસેળ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સુરત ઉપરાંત અમદાવાદ, કચ્છ અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં પણ આવી હાઈટેક લેબ કાર્યરત કરવામાં આવશે. મંત્રીએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની આ ડ્રાઇવ માત્ર સુરત પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતમાં સતત ચાલુ રાખવામાં આવશે જેથી પ્રજાના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.