ગુજરાતમાં ઇંધણ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: ગભરાટમાં આવીને ખરીદી ન કરવા IOC અને સરકારની અપીલ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વર્તમાન સંઘર્ષ અને ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે ગુજરાતના નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના નાગરિક પુરવઠા વિભાગે આજે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સત્તાવાળાઓએ નાગરિકોને ગભરાટમાં આવીને ઇંધણનો સંગ્રહ ન કરવા અને અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરી છે.
ઘરેલુ માંગને પ્રાથમિકતા અને કમર્શિયલ સપ્લાયમાં સુધારો
અમદાવાદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કાર્યકારી નિદેશક સંજીવ બેહરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલમાં અમે ઘરેલુ LPG ગ્રાહકોની માંગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે વાણિજ્યિક એલપીજીનો પુરવઠો પણ હવે ઝડપથી સુધરી રહ્યો છે અને યુદ્ધ પૂર્વેની સ્થિતિની સરખામણીએ અંદાજે 70 ટકા જેટલો પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ જશે.
સંગ્રહખોરી સામે લાલ આંખ: 2400 સ્થળોએ દરોડા
ઇંધણની કૃત્રિમ અછત ઊભી કરનારા અને કાળાબજાર કરનારા તત્વો સામે સરકાર કડક હાથે કામ લઈ રહી છે. સંજીવ બેહરાએ માહિતી આપી હતી કે, ઈંધણની સંગ્રહખોરી રોકવા માટે અત્યાર સુધીમાં રાજ્યભરમાં 2400 થી વધુ સ્થળોએ આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા 215 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. નિયમભંગ કરનારા એજન્સી ધારકો અને અનધિકૃત વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
ગ્રાહકોની સુવિધા માટે હેલ્પલાઇન કાર્યરત
રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત નિયામક ચેતન ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને પડતી મુશ્કેલીઓના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારે વિશેષ હેલ્પલાઇન નંબર 1800-233-0222 શરૂ કર્યો છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં 11,000 થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી મોટાભાગની ફરિયાદોનું સંતોષકારક નિવારણ કરી દેવામાં આવ્યું છે. નાગરિકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે કાળાબજારની જાણકારી આ નંબર પર આપવા વિનંતી કરાઈ છે.
તંત્ર દ્વારા સતત મોનિટરિંગ
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર અને તેલ કંપનીઓ સતત સંપર્કમાં છે. પુરવઠા સાંકળમાં કોઈ અવરોધ ન આવે તે માટે ડેપો અને વિતરણ કેન્દ્રો પર વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે આવશ્યક ચીજવસ્તુઓ અને ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં, તેથી પૂરતી તકેદારી રાખવી અને ખોટી રીતે ઇંધણનો સંગ્રહ કરીને અન્ય નાગરિકો માટે મુશ્કેલી ઊભી ન કરવી.