ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર કટિબદ્ધ : જગતના તાતને હવે ચિંતા કરવાની જરૂર નથી, સરકાર તમારી પડખે છે : કૃષિ મંત્રી જીતુ વાઘાણી...
ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિત પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, વર્તમાન ભાજપ સરકાર હંમેશા જગતના તાતના પડખે રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે. ભારતીય કિસાન સંઘ અને કિસાન મોર્ચાના હોદ્દેદારો સાથે યોજાયેલી મહત્વપૂર્ણ પરામર્શ બેઠક બાદ માધ્યમોને સંબોધતા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ખેડૂતોના કોઈપણ પ્રશ્ન અંગે સરકાર અત્યંત હકારાત્મક અભિગમ ધરાવે છે. ખેડૂતોની સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારે મંત્રીઓની એક વિશેષ સમિતિ બનાવી છે, જેમાં કૃષિ મંત્રી સહિત ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને વન મંત્રી અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થાય છે. આ સમિતિ નિયમિતપણે કિસાન સંગઠનો સાથે બેઠકો યોજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહી છે, તેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.
સિંચાઈ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયો અંગે વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યના ગામડાઓમાં હરિયાળી ક્રાંતિ લાવવાનું કાર્ય વેગીલું બનાવાયું છે. ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને ચેકડેમો અને તળાવો ભરવાની પ્રક્રિયાને વધુ સઘન બનાવવામાં આવશે, જેથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે અને સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે. આ ઉપરાંત, પાણીની બચત માટે ફુવારા અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ અપનાવતા ખેડૂતો માટે સબસીડીમાં વધારો કરવાની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, જેનો અમલ આગામી સમયમાં સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરીને કરવામાં આવશે.
ખેડૂતોને પડતી વ્યવહારિક મુશ્કેલીઓ દૂર કરવાના ભાગરૂપે સરકારે ટ્રેક્ટર અને ટ્રોલીના પાસિંગ માટે આર.ટી.ઓ.માં થતી હાલાકીમાંથી મોટી રાહત આપી છે. હવે ખેડૂતોને 3 થી 5 વર્ષ સુધી આર.ટી.ઓ. પાસિંગમાંથી મુક્તિ આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સાથે જ, ખેતરોમાં ઉભા પાકને જંગલી પશુઓથી બચાવવા માટે અમલી બનાવેલી કાંટાળા તારની ફેન્સિંગ યોજનામાં પણ મોટા સુધારા કરવામાં આવ્યા છે. હવે 1 હેક્ટરની મર્યાદા ધરાવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકશે અને સહાયની રકમ રનિંગ ફૂટ દીઠ રૂ. 200થી વધારીને રૂ. 300 કરવાની સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. વીજ ટાવરના પ્રશ્નો અને જમીન વળતર બાબતે પણ સરકાર ટૂંક સમયમાં એક કાયમી અને પારદર્શક નીતિ જાહેર કરશે.
કૃષિ શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવા માટે મંત્રીએ કડક વલણ દાખવતા જણાવ્યું કે, રાજ્યની ખાનગી કૃષિ કોલેજોમાં આઈ.સી.એ.આર. (ICAR)ના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે નીતિન સાંગવાનના અધ્યક્ષપદે સમિતિની રચના કરવામાં આવી છે. જે કોલેજો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની પ્રવેશ પ્રક્રિયા રદ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય. આ ઉપરાંત, વડીલોપાર્જિત મિલકતના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવા જેવા સામાજિક હિતના નિર્ણયો પણ લેવાયા છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના સેટલમેન્ટ ગામોના પ્રશ્નો તેમજ ઈકો-સેન્સિટિવ ઝોનને લગતી મુશ્કેલીઓ બાબતે પણ સરકાર કિસાન સંઘ સાથે મળીને હકારાત્મક ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.