April 4, 2026
ગુજરાત

ગુજરાતમાં નવા ડોમેસ્ટિક PNG કનેક્શન પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ: ઇન્સ્ટોલેશનનો સમય ઘટીને 7 દિવસ થયો

06:40:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાતમાં નવા ડોમેસ્ટિક PNG કનેક્શન પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ: </span>ઇન્સ્ટોલેશનનો સમય ઘટીને 7 દિવસ થયો</strong></p>

ગુજરાતમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ના વપરાશને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે. આગામી 30 જૂન સુધી નવા ડોમેસ્ટિક PNG કનેક્શન માટે અરજી કરનાર ગ્રાહકોને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સુરત ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં GSPC ના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંહ ઔલખે આ જાહેરાત કરી હતી. ગ્રાહકોની સુવિધા માટે હવે કનેક્શન ઇન્સ્ટોલેશનનો સમય 45 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે.

ડિસ્કાઉન્ટની શરતો અને ગ્રાહકોને સીધો ફાયદો 

સુરતના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં GSPC (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) ના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંહ ઔલખે જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં હાલમાં ગેસ પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે ત્યાં જ આ સ્કીમનો લાભ મળશે. 30 જૂન સુધીમાં અરજી કરનાર ગ્રાહકના ઘરે કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ આ 500 રૂપિયાની ડિસ્કાઉન્ટ રકમ સીધી તેમના બિલમાં જમા કરી દેવામાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સુરક્ષિત અને નિયમિત ગેસ સપ્લાય પૂરો પાડવાનો અને PNG ના વપરાશને વધારવાનો છે.

પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો 

પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી યુદ્ધની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ખાતર સહિતની તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ભવિષ્ય માટે પણ આગોતરી વ્યવસ્થા કરાઈ છે. સુરત શહેરમાં હાલ 15.20 લાખ ડોમેસ્ટિક PNG કનેક્શન કાર્યરત છે. નાગરિકોને કોઈપણ અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને ગેસ કંપનીઓ સતત સંકલન સાથે કામ કરી રહી છે.

શાળાઓ, હોસ્પિટલો અને કોમર્શિયલ એકમોને પ્રાથમિકતા 

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યમાં PNG કનેક્શનની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. રહેણાંક મકાનો ઉપરાંત હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને વિશેષ પ્રાથમિકતા અપાઈ રહી છે. સુરત જિલ્લામાં કોમર્શિયલ કનેક્શન માટે કુલ 1,805 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જેમાં 39 હોસ્પિટલો અને 16 રેલવે કેન્ટીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમો, સમરસ હોસ્ટેલ અને સામુદાયિક રસોડા માટે પણ ગેસ સપ્લાયની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

નાના ગેસ સિલિન્ડરનું વિતરણ અને પ્રક્રિયામાં સરળતા 

જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, HPCL, BPCL અને IOCL ના તમામ ડીલરોએ 5 કિલો અને 3 કિલોના ગેસ સિલિન્ડરનું વિતરણ પણ શરૂ કરી દીધું છે. વધુમાં, PNG પાઇપલાઇન કનેક્શન મેળવવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દેવાઈ છે, જેથી અગાઉ ઇન્સ્ટોલેશનમાં જે 45 દિવસનો સમય લાગતો હતો, તે હવે ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ પગલાંથી સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળશે.