495 કિલો હેરોઇન કેસ : સાત વર્ષ બાદ આરોપી રફીક સુમરાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા...
પાકિસ્તાનથી ગુજરાતના રસ્તે પંજાબ સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વર્ષ 2018માં ગુજરાત એટીએસ (ATS) દ્વારા સલાયા બંદર પરથી ઝડપાયેલા 495 કિલો હેરોઈન કેસમાં સંડોવાયેલા આરોપી રફીક સુમરાને હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરી રહી હતી, પરંતુ આરોપી ઓગસ્ટ 2018થી એટલે કે છેલ્લા સાત વર્ષથી જેલમાં હોવાથી અને ટ્રાયલ પૂરી થવામાં લાંબો સમય લાગે તેવી શક્યતા હોવાથી કોર્ટે માનવીય અભિગમ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને રાખી આ રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટમાં NIAએ નોંધેલા NDPS કેસમાં આરોપી રફિક સુમરાએ જામીન અરજી દાખલ કરી હતી. જેને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે.
અદાલતમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલે મજબૂત દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપી રફીક સુમરા છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે. આ કેસમાં કુલ 180 સાહેદો છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 46 સાહેદોની જ તપાસ પૂર્ણ થઈ છે, જ્યારે 134 સાહેદોની જુબાની હજુ બાકી છે. આ પરિસ્થિતિ જોતા ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થાય તેમ જણાતું નથી. કાયદાકીય જોગવાઈઓ મુજબ લાંબા સમય સુધી કેદીને ટ્રાયલ વગર જેલમાં રાખવો તે તેના મૂળભૂત અધિકારોનું હનન ગણાય, જેને ધ્યાને રાખીને હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી.
બીજી તરફ, સરકારી વકીલ અને NIA દ્વારા જામીનનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. એજન્સીની દલીલ હતી કે આ એક અત્યંત ગંભીર અને આંતરરાષ્ટ્રીય સ્તરનું ડ્રગ્સ નેટવર્ક છે, જેમાં પાકિસ્તાનના 'ભાઈજાન' અને 'નબી બક્ષ' જેવા મુખ્ય સૂત્રધારો સામેલ છે. તપાસમાં બહાર આવ્યું હતું કે દુબઈમાં બેઠેલા અર્શદ રઝાકના ઈશારે આ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છના સલાયા બંદર લાવવામાં આવ્યું હતું. રફીક સુમરાના ગોડાઉનનો ઉપયોગ આ જથ્થો છુપાવવા માટે થતો હતો અને ત્યાંથી ઊંઝા APMC થઈને માલ પંજાબના અમૃતસર મોકલવામાં આવતો હતો, જ્યાં સીમરનજીત સંધુ તેનું હેન્ડલિંગ કરતો હતો. આ વ્યવહાર માટે આંગડિયા પેઢીઓ દ્વારા નાણાંની લેતીદેતી પણ કરવામાં આવતી હતી.
જોકે, હાઈકોર્ટે તમામ પાસાઓની સમીક્ષા કર્યા બાદ નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતા ચોક્કસપણે છે, પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં થતો અસાધારણ વિલંબ અવગણી શકાય તેમ નથી. FSL રિપોર્ટ અને ગાડીમાંથી ઝડપાયેલા 295 કિલો ડ્રગ્સના પુરાવાઓ રેકોર્ડ પર હોવા છતાં, જેલમાં વિતાવેલો લાંબો સમય અને હજુ બાકી રહેલા સાહેદોની સંખ્યાને જોતા આરોપીને વધુ સમય જેલમાં રાખવો યોગ્ય નથી. પરિણામે, સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતોને અનુસરીને રફીક સુમરાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જે આ હાઈપ્રોફાઈલ કેસમાં એક મોટો વળાંક માનવામાં આવે છે.