માત્ર નામ નહીં, આશ્રમ શાળાઓને સુવિધા સજ્જ 'રેસિડન્શિયલ સ્કૂલ' બનાવો: હાઈકોર્ટે
ગુજરાતના અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં શિક્ષણની જ્યોત જલાવતી આશ્રમ શાળાઓ આજે પોતે જ અંધકારમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાયાની સુવિધાઓનો અભાવ, સ્ટાફની અછત અને મધ્યાહન ભોજનમાં ધાંધિયા જેવી ગંભીર સમસ્યાઓ મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ શાળાઓ માત્ર નામ પૂરતી નહીં પરંતુ સાચા અર્થમાં 'રેસિડન્શિયલ સ્કૂલ' બનવી જોઈએ. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યભરની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અને કથળતા વ્યવસ્થાપન અંગે એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા કડક શબ્દોમાં ટકોર કરી હતી. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે સરકાર આશ્રમ શાળાઓ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ નિયમો કેમ નથી ઘડતી? કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો નિયમો હશે, તો જ તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેનું પાલન કરશે અને શાળાઓની સ્થિતિમાં સુધારો થશે. કોર્ટે આદેશાત્મક લહેજામાં જણાવ્યું હતું કે આશ્રમ શાળાઓને માત્ર નામ પૂરતી મર્યાદિત રાખવાને બદલે તેને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ 'રેસિડન્શિયલ સ્કૂલ' તરીકે વિકસાવવી જોઈએ.
માત્ર કાગળ પર સુવિધાઓ બતાવવાને બદલે જમીની સ્તરે ફેરફાર લાવવા જરૂરી છે. સરકારની સફળતા અંગે ટિપ્પણી કરતા હાઇકોર્ટે કહ્યું કે, "તમે ત્યારે જ સફળ થયા કહેવાઓ જ્યારે પછાત વિસ્તારનો કોઈ સામાન્ય વિદ્યાર્થી ભણી-ગણીને સનદી અધિકારી બને." જો સરકાર આ શાળાઓ પર નિયંત્રણ રાખવા માંગતી હોય, તો પાયાની સુવિધાઓ આપવાની જવાબદારી પણ સરકારની જ છે. અરજદાર તરફથી સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે આશ્રમ શાળાઓમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ભારે અછત છે.
ઉપરાંત, બાળકોને પૂરતું અને પૌષ્ટિક મધ્યાહન ભોજન પણ મળતું નથી. છેવાડાના સમાજના બાળકો ત્યારે જ ભણશે જ્યારે તેમને પાયાની સવલતો અને પૌષ્ટિક ખોરાક મળશે. હાઇકોર્ટે આ મામલે સરકાર અને અરજદાર બંનેને આગામી 3 સપ્તાહમાં વિસ્તૃત જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આશ્રમ શાળાઓનું ભવિષ્યનું માળખું કેવું હોવું જોઈએ અને કઈ પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉમેરવાની જરૂર છે.