ગુજરાતના ઉદ્યોગો માટે 'ગુડ ન્યૂઝ' : LPG પુરવઠાના નિયમોમાં મોટી રાહત, અરજી કરતા પહેલા જાણી લેજો આ વિગતો...

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બલ્ક બિન-ઘરેલું LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) પુરવઠાના નિયમોમાં ધરખમ સુધારો કરીને ઉદ્યોગો માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન પ્રક્રિયાને વધુ સરળ બનાવવી અને રાજ્યના આર્થિક ગ્રોથ એન્જિનને સતત કાર્યરત રાખવાનો છે. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ, સિરામિક અને સ્ટીલ જેવા મુખ્ય ક્ષેત્રો જે સીધા ગેસ પુરવઠા પર નિર્ભર છે, તેમને આ ફેરફારથી વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક રહેવામાં મોટી મદદ મળશે.
નવા પુરવઠા માપદંડો અને ઉદ્યોગોનું વર્ગીકરણ
નવી માર્ગદર્શિકા મુજબ, રાજ્ય સરકારે ઉદ્યોગો માટે LPG પુરવઠાની મર્યાદામાં સુચિત ફેરફાર કર્યા છે, જેમાં માર્ચ 2026 પહેલાંના કુલ વપરાશના 70% સુધીનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. સરકારે સમગ્ર ઉદ્યોગો માટે કુલ પુરવઠાની મર્યાદા 0.2 TMT પ્રતિદિવસ નક્કી કરી છે. આ વ્યવસ્થા હેઠળ જે ઉત્પાદન પ્રક્રિયામાં LPG અનિવાર્ય છે અને જ્યાં કુદરતી ગેસ (Natural Gas) ટેકનિકલ રીતે વિકલ્પ બની શકતો નથી, તેવા એકમોને અગ્રતા આપવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગ, ગ્લાસ, પોલિમર, પેકેજિંગ, પેઇન્ટ અને એરોસોલ સેક્ટર જેવા વૈવિધ્યસભર ઉદ્યોગોને આ નીતિનો સીધો લાભ મળશે, જેનાથી તેમની કાર્યક્ષમતામાં અને ઉત્પાદન ક્ષમતામાં નોધપાત્ર વધારો થવાની શક્યતા છે.
નોંધણી પ્રક્રિયા અને શ્રમિકોના કલ્યાણની ચિંતા
નવી નીતિના સુચારુ અમલીકરણ માટે સરકારે કેટલીક શરતો પણ નિર્ધારિત કરી છે, જેમાં લાભાર્થી એકમોએ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) પાસે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. આ ઉપરાંત, CGD કંપનીઓ પાસે PNG કનેક્શન માટેની અરજી પણ અનિવાર્ય કરાઈ છે, જોકે ચોક્કસ ઉત્પાદન પ્રક્રિયામાં છૂટછાટ પણ આપવામાં આવી છે. માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં, પરંતુ શ્રમિકોના કલ્યાણ માટે પણ સરકારે ઉદારતા દાખવી છે. રાજ્યમાં 5 કિલોના રેકોર્ડબ્રેક 98,883 LPG સિલિન્ડર શ્રમિકો માટે ફાળવવામાં આવ્યા છે, જે દેશના અન્ય રાજ્યોની તુલનામાં સૌથી વધુ છે. સરકારના આ વ્યાપક અને સંવેદનશીલ અભિગમથી ગુજરાતના ઔદ્યોગિક નકશા પર સ્થિરતા આવશે અને રોજગારીની નવી તકોનું સર્જન થશે.