મોંઘવારીનો ડામ: સિંગતેલમાં રૂ.30 અને કપાસિયામાં 80 નો ઝીંકાયો ભાવવધારો
ગુજરાતમાં સામાન્ય માણસની થાળીમાંથી હવે રોટલી અને શાક પણ છીનવાઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ મગફળી અને ઘઉંનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે, તો બીજી તરફ તેલ લોબી અને સંગ્રહખોરોએ ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. સિંગતેલનો ડબ્બો 3000ની સપાટીએ પહોંચતા ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. આ મોંઘવારી માત્ર તેલ પૂરતી મર્યાદિત નથી, પણ ગેસ અને અનાજમાં પણ ભાવવધારો થતા મધ્યમ વર્ગ 'લોઢાના ચણા' ચાવી રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં મોંઘવારીનું ચક્ર ગતિમાન થતા સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ખાદ્યતેલોના ભાવમાં રૂ.30 થી 80નો ધરખમ વધારો ઝીંકાયો છે. માત્ર તેલ જ નહીં, પણ ઘઉં, લીંબુ અને રસોઈ ગેસના ભાવ પણ આસમાને પહોંચતા હવે મધ્યમ અને ગરીબ વર્ગ માટે બે ટંકનું ભોજન પણ મોંઘું સાબિત થઈ રહ્યું છે. તેલ લોબી દ્વારા કરવામાં આવેલા ભાવવધારાને કારણે સિંગતેલનો ડબ્બો રૂ.3000 ની સપાટીએ પહોંચ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે આયાતી તેલની સાથે જે સિંગતેલમાં ગુજરાત આત્મનિર્ભર છે, તેના ભાવ પણ સતત વધી રહ્યા છે. ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું 60 લાખ ટનથી વધુ વિક્રમી ઉત્પાદન થયું છે અને પુરવઠો પર્યાપ્ત છે, છતાં સિંગતેલ ગત વર્ષ કરતા ડબ્બે રૂ.600 મોંઘું વેચાઈ રહ્યું છે. આ જ રીતે રવી સીઝનમાં 49 લાખ ટન ઘઉંના ઉત્પાદનનો અંદાજ હોવા છતાં ગૃહિણીઓને ઘઉંના ભાવમાં કોઈ જ રાહત મળી નથી.
લીંબુની આવક ગત વર્ષ કરતા વધુ હોવા છતાં તેના ભાવ આસમાને છે. આ ઉપરાંત તાજેતરમાં રસોઈ ગેસના ભાવમાં પણ વધારો થતાં જનતા પર બેવડો માર પડ્યો છે. વધતી જતી મોંઘવારી સામે સામાન્ય નાગરિકો પીસાઈ રહ્યા છે.