ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે: જલ જીવન મિશન 2.0 માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoU સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગ વચ્ચે 'જલ જીવન મિશન 2.0' અંતર્ગત મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

છેવાડાના માનવી સુધી શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારો સહિત દરેક ખૂણે પૂરતું સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રની યોજનાઓનું અગ્રતાના ધોરણે અમલીકરણ કરતું ગુજરાત આ નવા MoU થકી રાજ્યના ગ્રામ્ય વિકાસ અને પેયજળ વ્યવસ્થાપનમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
2028 સુધીમાં પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્યાંક
નોંધનીય છે કે, 15 ઓગસ્ટ 2019 ના રોજ “હર ઘર જલ” ના સંકલ્પ સાથે જલ જીવન મિશનની શરૂઆત થઈ હતી. ગુજરાતે ઓક્ટોબર 2022 સુધીમાં દરેક ગ્રામ્ય ઘરમાં નળથી જળ પહોંચાડવાનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કરી લીધો છે. હવે જલ જીવન મિશન 2.0 અંતર્ગત વર્ષ 2028 સુધીમાં પાણી પુરવઠા વ્યવસ્થાનું મજબૂતીકરણ, નિયમિતતા અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આનાથી તમામ ગામડાઓમાં સતત અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો મળશે અને “Har Ghar Jal” પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા વેગવાન બનશે.

ડિજિટલ મોનિટરિંગ અને પારદર્શિતા પર વિશેષ ભાર
આ MoU અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ સમયસર પૂર્ણ કરી ગ્રામ પંચાયતોની વિલેજ વોટર એન્ડ સનિટેશન કમિટિને ઓપરેશન અને મેન્ટેનન્સ માટે સોંપવામાં આવશે. વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ’ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરાશે. વધુમાં, ‘નલ જલ મિત્ર’ અને ‘જલ ઉત્સવ’ જેવા અભિયાનો થકી જનજાગૃતિ અને માનવ સંસાધન વિકાસ પર ભાર મુકાશે.
આ કરાર મુજબ કેન્દ્ર સરકાર ફંડિંગ, માર્ગદર્શન અને મોનિટરિંગ કરશે, જ્યારે રાજ્ય સરકાર અમલીકરણ અને ટેકનિકલ સપોર્ટની જવાબદારી નિભાવશે. આ મહત્વપૂર્ણ કરાર સમયે કેન્દ્રના સચિવ અશોક મીના વર્ચ્યુઅલી જોડાયા હતા, જ્યારે રાજ્ય સરકાર વતી અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્ય ઈજનેર નીરવ સોલંકી, ધરા વ્યાસ અને ભાવિક રાઠોડ પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આ મિશન થકી ગુજરાતના ગામડાઓમાં જળ સુરક્ષા વધુ સંગીન બનશે.