ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ : 26 એપ્રિલે મતદાન અને 28મીએ પરિણામ, આજથી આચારસંહિતા લાગુ...
ગુજરાતના રાજકીય ફલક પર લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું આખરે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એકીસાથે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે, જેના કારણે હવે સરકારી લોકાર્પણો કે નવી જાહેરાતો પર બ્રેક લાગી ગઈ છે. આ વખતની ચૂંટણીમાં અંદાજે 4 કરોડ 18 લાખ 91 હજાર 700 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્થાનિક સરકારની પસંદગી કરશે.
ચૂંટણી પંચના શિડ્યુલ મુજબ, આગામી 6 એપ્રિલના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 11 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે, જ્યારે 15 એપ્રિલ સુધીમાં ફોર્મ ખેંચવાની છેલ્લી મુદત રહેશે. રવિવાર, 26 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે અને તેના માત્ર બે જ દિવસ બાદ એટલે કે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરીને પરિણામો જાહેર કરવામાં આવશે.
ગુજરાત સરકારે હાલમાં જે 8 નવી નગર પાલિકાને 'મહા નગરપાલિકા'નો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
આ ચૂંટણીમાં ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ લાગુ થયેલા OBC અનામતના નવા રોટેશન મુજબ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો ઓબીસી વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. મતદારોની સુવિધા માટે પંચે અનેક પ્રકારના ઓળખપત્રોને માન્યતા આપી છે, જેમાં પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ અને મનરેગા જોબ કાર્ડ સહિતના પુરાવાઓનો સમાવેશ થાય છે, પરંતુ શરત એ છે કે આ દસ્તાવેજો ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછા એક માસ પહેલા ઈસ્યુ થયેલા હોવા જોઈએ. લાંબા સમયથી વહીવટદારોના શાસન હેઠળ રહેલી પંચાયતો અને પાલિકાઓમાં હવે ફરીથી લોકશાહી ઢબે જનપ્રતિનિધિઓ ચૂંટાશે, જેના કારણે રાજ્યના રાજકીય પક્ષોમાં અત્યારથી જ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.