April 9, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

રાજ્યભરમાં મતદાર યાદીમાં ક્ષતિઓ સામે હાઇકોર્ટમાં અરજીઓનો મારો.....

04:22:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજ્યભરમાં મતદાર યાદીમાં</strong></span> ક્ષતિઓ સામે હાઇકોર્ટમાં અરજીઓનો મારો.....</p>

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે, પરંતુ તેની સાથે જ મતદાર યાદીમાં ગંભીર છબરડાઓ પણ સામે આવી રહ્યા છે. વાપી અને પોરબંદર જેવા શહેરોમાં સંભવિત ઉમેદવારોના નામ જ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતાં મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. વાપીમાં તો એક એવો અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં આખી સોસાયટીના નામ યાદીમાં હતા, પરંતુ ચોથા માળે રહેતા ઉમેદવારનું નામ ગાયબ હતું. હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપનાવી ઉમેદવારોના નામ યાદીમાં સમાવવા આદેશ કર્યા છે. અરજદારોના નામ તાકીદે યાદીમાં સમાવવા નિર્દેશ આપ્યા છે.

વાપીના એક વકીલ અને સંભવિત ઉમેદવારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે તેઓ વાપીના છરવડા વિસ્તારની રાજમોતી સોસાયટીના ચોથા માળે રહે છે. આશ્ચર્યજનક રીતે, સોસાયટીના નીચેના ત્રણ માળના તમામ રહીશોના નામ મતદાર યાદીમાં છે, પરંતુ બ્લોક લેવલ ઓફિસર દ્વારા તેમનું નામ વાપી નગરપાલિકાની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. હાઇકોર્ટે આ ગંભીર ભૂલને ધ્યાને લઈ અરજદારનું નામ વોર્ડ નંબર 05ની મતદાર યાદીમાં સમાવવા હુકમ કર્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા અન્ય એક અરજદારે રજૂઆત કરી હતી કે તેમનું નામ વિધાનસભાની યાદીમાં હોવા છતાં કોર્પોરેશનની યાદીમાં સામેલ કરાયું નહોતું.

અધિકારીઓએ રજૂઆત સ્વીકારી હોવા છતાં ફાઈનલ લિસ્ટમાં નામ ન આવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હોવાથી, કોર્ટે તાકીદે વોર્ડ નંબર 09ની યાદીમાં નામ સમાવવા આદેશ આપ્યો છે.અન્ય એક કિસ્સામાં, દસક્રોઈથી બાયડ રહેવા ગયેલા અરજદારે બાયડની ચૂંટણી લડવા માટે નામ ટ્રાન્સફર કરવા અરજી કરી હતી. હાઇકોર્ટે અરજદાર પાસેથી એવી બાહેધરી મેળવી હતી કે તેઓ અમદાવાદની ચૂંટણીમાં ભાગ લેશે નહીં, ત્યારબાદ તેમની અરજી ગ્રાહ્ય રાખી બાયડની યાદીમાં નામ સમાવવાની મંજૂરી આપી હતી.

ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પ્રક્રિયામાં નાગરિકોના મતાધિકાર અને ઉમેદવારી કરવાના અધિકારને પ્રાથમિકતા આપી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી ટેકનિકલ ભૂલોને કારણે કોઈ ઉમેદવાર ચૂંટણી લડવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સુધારા કરવાના આદેશો આપવામાં આવ્યા છે.