ગુજરાત મીડિયા એવોર્ડ 2026: પદ્મશ્રી દેવેન્દ્ર પટેલને ‘લાઇફટાઇમ એચિવમેન્ટ’, મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારત્વને લોકશાહીનો મજબૂત સ્તંભ ગણાવ્યો
અમદાવાદના પાલડી સ્થિત ટાઉનહોલ ખાતે તાજેતરમાં ‘ગુજરાત મીડિયા એવોર્ડ 2026’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મીડિયા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા પત્રકારો અને મીડિયાકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલને પત્રકારત્વમાં તેમની અમૂલ્ય સેવાઓ બદલ ‘લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’ એનાયત કરીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

22 અલગ-અલગ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરીનું સન્માન
આ એવોર્ડ સમારોહ દરમિયાન મીડિયા જગતના વિવિધ પાસાઓમાં નોંધપાત્ર કામગીરી કરનારા પત્રકારોને કુલ 22 અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ્સનો મુખ્ય હેતુ પત્રકારત્વના માધ્યમથી સમાજની સેવા કરનારા અને જનતાના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપનારા મીડિયાકર્મીઓની મહેનતને બિરદાવવાનો હતો. પાલડી ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મીડિયા જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકારત્વ એ સામાજિક સેવાનું પવિત્ર ‘મિશન’: ઋષિકેશ પટેલ
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારત્વને લોકશાહીનો મજબૂત સ્તંભ અને સમાજ સેવા માટેનું એક પવિત્ર ‘મિશન’ ગણાવ્યું હતું. તેમણે પત્રકારોની 24 કલાકની અથાગ્ મહેનતને બિરદાવતા જણાવ્યું હતું કે, જનતાના પ્રશ્નોને મીડિયા દ્વારા ઉજાગર કરવાનું કાર્ય અત્યંત આવકાર્ય છે, કારણ કે તેનાથી તંત્ર જાગૃત બને છે અને પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં સરળતા રહે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સમાજમાં ફેલાતી ભ્રામક પરિસ્થિતિ કે અફવાઓ સમયે લોકો સુધી સત્ય પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા નિર્ણાયક છે.

‘આઉટ ઓફ બોક્સ’ વિચારધારા જ સફળતાની ચાવી: દેવેન્દ્ર પટેલ
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે પત્રકારત્વને માત્ર વ્યવસાય નહીં પણ એક ‘મિશન’ ગણાવતા યુવા પત્રકારોને પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સફળતાની ચાવી ‘આઉટ ઓફ બોક્સ’ વિચારધારામાં રહેલી છે. પત્રકારોએ ચીલાચાલુ પદ્ધતિથી હટીને મૌલિક અને સંવેદનશીલ અભિગમ અપનાવવો અનિવાર્ય છે. તેમણે પોતાના સંઘર્ષકાળને યાદ કરતા ઉમેર્યું હતું કે, કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ તેના પરિવાર અને ખાસ કરીને માતા-પિતાનો પાયાનો ફાળો હોય છે.

દિગ્ગજ પત્રકારો અને રાજકીય-સામાજિક અગ્રણીઓની હાજરી
આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ, એવોર્ડ્સના જ્યૂરી તરીકે સેવા આપનારા ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા સોનલ પંડ્યા અને NIMCJ ના ડાયરેક્ટર શિરીષ કાશિકર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી ભરત પંડ્યા, ગોવિંદભાઈ વરમોરા સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ તથા મીડિયા જગત સાથે સંકળાયેલા મહાનુભાવોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.
