માં નર્મદાના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું રેવા તટ....પંચકોશી પરિક્રમામાં 2 લાખ ભક્તોએ માથું ટેકવ્યું
રેવા તટે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે, નર્મદા જિલ્લામાં 19 માર્ચથી શરૂ થયેલી પવિત્ર 'મા નર્મદા પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા' માં શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ મહેરામણ ઉમટી રહ્યો છે. માત્ર 12દિવસના ટૂંકા ગાળામાં જ 2 લાખથી વધુ ભક્તોએ 'નર્મદે હર'ના નાદ સાથે આ પવિત્ર પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી છે. ચૈત્ર માસમાં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્યસલીલા નર્મદાની પરિક્રમાનું અનેરું ધાર્મિક મહત્વ હોવાથી ગુજરાત સહિત પડોશી રાજ્યોમાંથી પણ હજારો ભાવિકો પગપાળા આ યાત્રામાં જોડાઈ રહ્યા છે.
કાળઝાળ ગરમી વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી, ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે છાસ, લીંબુ શરબત અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પુરાણો અનુસાર, વિશ્વમાં નર્મદા એકમાત્ર એવી પવિત્ર નદી છે જેની પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવની પુત્રી અને કુવારી મનાતી પુણ્યસલીલા નર્મદાના દર્શન માત્રથી જ પાપોનો નાશ થાય છે તેવી માન્યતા છે.
આ પવિત્ર યાત્રા રામપુરાના કીડી મકોરી ઘાટથી શરૂ થાય છે. ખાસ કરીને ચૈત્ર માસમાં જ્યારે નર્મદા ઉત્તર દિશા તરફ વહે છે (ઉત્તરવાહિની), ત્યારે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. શ્રદ્ધાળુઓ 21 કિલોમીટરની આ પરિક્રમા પગપાળા પૂર્ણ કરે છે. "નર્મદે હર" ના નાદ સાથે સફેદ અને ભગવા વસ્ત્રોમાં સજ્જ ભક્તોના સમૂહથી નર્મદાના ઘાટ ગુંજી ઉઠ્યા છે.ભક્તોની સુવિધા માટે વિવિધ સેવાભાવી સંગઠનો પણ મેદાને આવ્યા છે. 'જય ભોલે ગ્રુપ' જેવી સંસ્થાઓ દ્વારા પરિક્રમા પૂર્ણ કરનાર શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે નાસ્તો અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભક્તોમાં જોવા મળતો અનેરો ઉત્સાહ અને સેવાભાવીઓનો સહયોગ આ ધાર્મિક મહોત્સવને વધુ ભવ્ય બનાવી રહ્યો છે. આ પરિક્રમા 21 દિવસ સુધી ચાલવાની છે, જેમાં આગામી દિવસોમાં શ્રદ્ધાળુઓનો આંકડો હજુ વધવાની શક્યતા છે. શ્રદ્ધાળુઓ માને છે કે ગંગામાં સ્નાન અને યમુનાના આચમનથી જે પુણ્ય મળે છે, તેટલું જ પુણ્ય મા નર્મદાના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. વનવાસી વિસ્તારોમાંથી પસાર થતી આ પરિક્રમા પ્રકૃતિ અને પરમાત્માના મિલનનો અનોખો અનુભવ કરાવી રહી છે.