ગુજરાત પોલીસના ‘ચેક’ ડોગે ટ્રેકિંગમાં ગોલ્ડ-ઓવરઓલમાં બ્રોન્ઝ જીત્યો, 16 વર્ષ પછી રાજ્યને ગોલ્ડ મળ્યો

ગુજરાત પોલીસના શ્વાન દળ માટે એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ 2025-26 માં ગુજરાત પોલીસના ‘ચેક’ નામના નર ડોગે ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડાએ ‘ચેક’ અને તેના હેન્ડલરને વિશેષ અભિનંદન પાઠવ્યા છે.

16 વર્ષ બાદ રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સફળતા
નાગપુરમાં માર્ચ-એપ્રિલ 2026 દરમિયાન યોજાયેલી આ 69મી ચેમ્પિયનશિપમાં દેશભરના વિવિધ પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના 200 થી વધુ ડોગ્સે ભાગ લીધો હતો. ગુજરાત પોલીસ માટે આ ક્ષણ વિશેષ મહત્વની છે, કારણ કે પૂરા 16 વર્ષ બાદ રાજ્યના કોઈ પોલીસ ડોગે રાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ‘ચેક’ ડોગે ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલની સાથે ઓવરઓલ ટ્રેકિંગમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવી બેવડી સફળતા હાંસલ કરી છે.
45 શ્વાનો વચ્ચે ‘ચેક’ની ક્ષમતા સાબિત થઈ
આ સ્પર્ધામાં વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી કઠિન કસોટીઓ લેવામાં આવી હતી. માત્ર ટ્રેકિંગ કેટેગરીમાં જ 45 પ્રશિક્ષિત ડોગ્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી, જેમાં ‘ચેક’ પોતાની તીક્ષ્ણ સૂંઘવાની શક્તિ અને ક્ષમતા પુરવાર કરીને પ્રથમ ક્રમે રહ્યો હતો. આજે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી કે.એલ.એન. રાવે ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને વ્યક્તિગત રીતે મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ બિરદાવ્યા હતા.
કડક તાલીમ અને સઘન તૈયારીઓનું પરિણામ
આ સફળતા પાછળ મહિનાઓનું સઘન આયોજન અને મહેનત રહેલી છે. DGP (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્પર્ધા પૂર્વે રાજ્ય સ્તરની વિશેષ સ્પર્ધા યોજીને શ્રેષ્ઠ ડોગ્સની પસંદગી કરવામાં આવી હતી. આ અંગે ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, “ગુજરાત પોલીસનો ‘ચેક’ ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ અને ઓવરઓલ બ્રોન્ઝ જીત્યો છે. આ સિદ્ધિ મેળવવા માટે અમે અને હેન્ડલરે કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ ભારે મહેનત કરી છે.”
ગુજરાત પોલીસના K9 સ્ક્વોડનું મજબૂત માળખું
વર્તમાન સમયમાં ગુજરાત પોલીસના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 જેટલા ડોગ્સ કાર્યરત છે. આ શ્વાનો વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ અને દારૂ શોધવા જેવી મહત્વની કામગીરી માટે સજ્જ છે.