ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : જમીન-મિલકતના સોદામાં હવે 30 દિવસની નોટિસમાંથી મુક્તિ, વિવાદ વગરના કિસ્સામાં તે જ દિવસે થશે 'પાકી એન્ટ્રી'...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે જમીન મહેસૂલ ક્ષેત્રે એક ક્રાંતિકારી અને પ્રજાલક્ષી નિર્ણય લઈને મહેસૂલી પ્રક્રિયામાં વર્ષોથી ચાલી આવતી જટિલતાઓનો અંત આણ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ ઐતિહાસિક સુધારાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “જમીન મહેસૂલ અધિનિયમ-1879” ની કલમ 135-Dમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે હવે મિલકત કે જમીનના વેચાણ વ્યવહારમાં નાગરિકોને 30 દિવસની લાંબી નોટિસના સમયગાળામાંથી કાયમી મુક્તિ મળશે. અત્યાર સુધી કોઈ પણ જમીન કે મકાનના સોદા બાદ તેની નોંધ પ્રમાણિત કરવા માટે 30 દિવસ સુધી રાહ જોવી પડતી હતી, જેનો ગેરલાભ લઈને કેટલાક અસામાજિક તત્વો ખોટા વાંધા ઉઠાવીને ખરીદનાર કે વેચનાર પાસેથી નાણાં પડાવવા માટે બ્લેકમેલિંગ કરતા હતા. મુખ્યમંત્રીએ ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં આ જોગવાઈ દૂર કરીને પારદર્શિતા લાવવા માટે સાહસિક કદમ ઉઠાવ્યું છે.
આ નવા સુધારા મુજબ, જો જમીનના રેકોર્ડ પર છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટિગેશન કે કાયદાકીય વિવાદ ન હોય અને 7/12ના ઉતારા પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં પોતાની સહી કરી હોય, તો તેવા કિસ્સામાં કોઈ પણ પ્રકારની નોટિસ બજવ્યા વગર તે જ દિવસે વેચાણની નોંધ પાડીને તેને પ્રમાણિત એટલે કે 'પાકી એન્ટ્રી' કરી દેવામાં આવશે. આ ઉપરાંત, સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલના હુકમોની નોંધ કરવામાં પણ હવે 135-Dની નોટિસની જરૂરિયાત રહેશે નહીં, તેની સીધી જ અમલવારી કરવામાં આવશે. આ નિર્ણયથી મિલકત ખરીદનારાઓને હવે લાંબો સમય સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં અને સોદો થયાની સાથે જ તેઓ મહેસૂલી રેકોર્ડ પર માલિક તરીકે સ્થાપિત થઈ શકશે.
બીજી તરફ, જે કિસ્સાઓમાં વિશેષ તપાસની જરૂરિયાત જણાશે, જેમ કે વેચાણ પાવર ઓફ એટર્ની (PoA) દ્વારા થયું હોય, છેલ્લા એક વર્ષમાં રેકોર્ડમાં ફેરફાર થયો હોય અથવા તમામ હકદારોની સહી ન હોય, ત્યાં પણ સરકારે રાહત આપી છે. આવા કિસ્સાઓમાં નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે, જેથી સાચા હકદારો ટૂંકા ગાળામાં પોતાના પુરાવા રજૂ કરી શકે. આ સુધારા માત્ર ખેતીની જમીન પૂરતા સીમિત નથી, પરંતુ શહેરના ફ્લેટ, દુકાન અને રહેણાંક મકાનો માટે પણ એટલા જ અસરકારક રહેશે. આ ક્રાંતિકારી નિર્ણયને કારણે મહેસૂલી અદાલતોમાં 135-Dના વાંધાને લીધે પેન્ડિંગ રહેતા હજારો કેસોનો ઝડપથી નિકાલ આવશે અને ભવિષ્યમાં બિનજરૂરી તકરારી કેસોમાં ધરખમ ઘટાડો થશે. આમ, રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના લાખો નાગરિકો ભયમુક્ત બનીને મિલકતના વ્યવહારો કરી શકશે.