April 4, 2026
ગુજરાત

ગુજરાતમાં RTE હેઠળ મફત પ્રવેશની પ્રક્રિયા આજથી શરૂ: 17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

07:26:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાતમાં RTE હેઠળ મફત પ્રવેશની પ્રક્રિયા આજથી શરૂ: </span>17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે</strong></p>

શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ધોરણ-1 માં મફત પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી એટલે કે 4 એપ્રિલ 2026 થી શરૂ થઈ ગઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળી રહે તે હેતુથી આ વર્ષે રાજ્યભરમાં અંદાજે 84,000 થી વધુ બેઠકો પર પ્રવેશ આપવામાં આવનાર છે.

ઓનલાઈન અરજીની તારીખ અને સત્તાવાર વેબસાઈટ 

RTE હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છુક વાલીઓ આજથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ થી શરૂ થઈને 17 એપ્રિલ 2026 સુધી ચાલશે. વાલીઓ સરકારની સત્તાવાર વેબસાઈટ rte.orpgujarat.com પર જઈને પોતાના બાળકના પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકશે.

પ્રવેશ માટે વય મર્યાદા અને આવકનો માપદંડ 

નિયમો અનુસાર, જે બાળકની ઉંમર 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલ હોય તે જ પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે. સરળ શબ્દોમાં કહીએ તો બાળકની જન્મ તારીખ 2 જૂન 2019 થી 1 જૂન 2020 ની વચ્ચે હોવી ફરજિયાત છે. આ ઉપરાંત, આ યોજના હેઠળ મફત પ્રવેશ મેળવવા માટે વાલીની વાર્ષિક આવક મર્યાદા મહત્તમ રૂ. 6 લાખ સુધી નક્કી કરવામાં આવી છે.

જરૂરી દસ્તાવેજો અને એજન્ટોથી સાવધાન રહેવા અપીલ 

ફોર્મ ભરતી વખતે વાલીઓએ કેટલાક અગત્યના પુરાવા તૈયાર રાખવા પડશે. જેમાં બાળક અને વાલીનું આધારકાર્ડ, જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (ભાડાકરાર કે લાઈટ બિલ), આવકનો દાખલો અને જાતિના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. સરકારે વાલીઓને ખાસ સૂચના આપી છે કે આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને નિઃશુલ્ક હોવાથી કોઈપણ એજન્ટ કે લેભાગુ તત્વોની વાતોમાં આવવું નહીં.

પ્રવેશ માટેનો અગ્રતાક્રમ

આ વર્ષે પ્રવેશ ફાળવણી માટે એક ચોક્કસ અગ્રતાક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં અનાથ બાળક, સંભાળ-સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજૂર, મંદબુદ્ધિ કે શારીરિક રીતે વિકલાંગ બાળકો, શહીદ જવાનોના બાળકો અને માતા-પિતાને સંતાનમાં એક જ દીકરી હોય તેવા બાળકોને પ્રાથમિકતા અપાશે. ત્યારબાદ BPL કુટુંબના બાળકો, SC/ST, SEBC, EWS, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, આંગણવાડીના બાળકો અને છેલ્લે સામાન્ય (બિનઅનામત) કેટેગરીના બાળકોને ક્રમાનુસાર પ્રવેશ ફાળવવામાં આવશે.