ખાડી યુદ્ધની આગમાં ગુજરાતનો વેપાર હોમાયો: 5,500થી વધુ કન્ટેનરો ઓમાન-UAE માં અટવાયા
મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વણસતી જતી યુદ્ધની સ્થિતિએ વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું છે. ખાસ કરીને દરિયાઈ માર્ગે થતા વેપાર પર આભ ફાટ્યું છે, જેમાં ગુજરાતના હજારો કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાઈ જતાં નિકાસકારોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે ગુજરાતના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ઉદ્યોગ પર ગંભીર સંકટ આવી પડ્યું છે. મળતી માહિતી મુજબ, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના Khor Fakkan પોર્ટ અને ઓમાનના Sohar પોર્ટ પર ગુજરાતના અંદાજે 5,500 થી વધુ કન્ટેનરો ફસાઈ ગયા છે.
નિકાસકારો માટે કરોડોનું આર્થિક ભારણ:
જો આ અટવાયેલા કન્ટેનરોને પરત લાવવા હોય, તો એક્સપોર્ટરોએ પ્રતિ કન્ટેનર અંદાજે Rs. 5 લાખનો ખર્ચ ભોગવવો પડે તેમ છે. આ હિસાબે કુલ 5,500 કન્ટેનરો પરત લાવવા માટે અંદાજે Rs. 275 કરોડ જેટલો જંગી ખર્ચ થાય તેમ છે, જે નાના વેપારીઓ માટે અશક્ય સમાન છે.
રેફ્રિજરેશનના અભાવે માલ સડવાની ભીતિ
સૌથી ગંભીર સ્થિતિ પેરીશેબલ ગુડ્સ (બગડી જાય તેવો માલ) ની છે. ખોરફક્કન પોર્ટ પર 800 થી વધુ રેફ્રિજરેટેડ કન્ટેનરો ઉતારી દેવાયા છે. આ કન્ટેનરોને કાર્યરત રાખવા માટે પૂરતા ઈલેક્ટ્રિક પ્લગ્સની વ્યવસ્થા નથી. પોર્ટ પર માત્ર 120 પ્લગ્સ ઉપલબ્ધ હોવાથી બાકીના કન્ટેનરોમાં રહેલા બટાકા, શાકભાજી, સી-ફૂડ અને ડેરી પ્રોડક્ટ્સ સડી જવાની ભીતિ સેવાઈ રહી છે.
ગારમેન્ટ અને કેરી ઉદ્યોગ પર મોટું જોખમ
ગારમેન્ટ ઉદ્યોગ: ઈદના તહેવાર સમયે જ યુદ્ધ ફાટી નીકળતા અમદાવાદ અને સુરતના ગારમેન્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. સમયસર માલ ન પહોંચતા ઓર્ડરો રદ થયા છે, જેનાથી અંદાજે Rs. 1,500 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
કેરીનો વેપાર: ગુજરાતમાંથી દર વર્ષે ગલ્ફના દેશોમાં આશરે 500 કરોડની કેરી નિકાસ થાય છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેસર કેરીના ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવશે.
વિકટ બનેલી આ પરિસ્થિતિમાં હવે નિકાસકારો અને ખેડૂતો કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજની આશા રાખી રહ્યા છે, જેથી આ આર્થિક સંકટમાંથી ઉગરી શકાય.