April 1, 2026
રાજનીતિ

લોકડાઉન નહીં, પણ 'ટીમ ઇન્ડિયા'ની જેમ લડવું પડશે: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનું આશ્વાસન 

10:53:00 AM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>લોકડાઉન નહીં, પણ 'ટીમ ઇન્ડિયા'ની જેમ લડવું પડશે:</strong></span> કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનું આશ્વાસન </p>

વૈશ્વિક સ્તરે સર્જાયેલી અસ્થિરતા અને સંભવિત કટોકટી વચ્ચે ભારત સરકાર દ્વારા લોકડાઉન અંગે ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં, કારણ કે હાલની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સંસદ ભવનની બહાર મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દેશમાં લોકડાઉન લાદવાની કોઈ શક્યતા નથી. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે અને ખાતરી આપી છે કે સરકાર તમામ પાસાઓ પર પૂરતું ધ્યાન આપી રહી છે.

રિજિજુએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વર્તમાન સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સરકારની પ્રાથમિકતા દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનજીવનને ખોરવ્યા વગર પરિસ્થિતિને સંભાળવાની છે. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ તમામ મંત્રાલયો સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા લોકસભામાં સંબોધન કરતા પીએમ મોદીએ દેશવાસીઓને સાવચેત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "આવનારો સમય દેશની સૌથી મોટી પરીક્ષા લેવાનો છે."

આ નિવેદન બાદ લોકડાઉન અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ રિજિજુએ હવે તેને સ્પષ્ટ કરી દીધું છે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે 'ટીમ ઇન્ડિયા'ની જેમ સાથે મળીને કામ કરવું પડશે. આ લડાઈમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સહયોગ અનિવાર્ય છે. પીએમએ તમામ રાજ્યોને એકજૂટ થઈને પડકારો સામે લડવા આહવાન કર્યું હતું. પીએમ મોદીએ સંકેત આપ્યો હતો કે દુનિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે જે મુશ્કેલ પરિસ્થિતિઓ સર્જાઈ છે, તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે.

આ વૈશ્વિક અસ્થિરતાને કારણે સપ્લાય ચેઈન અને મોંઘવારી જેવા પ્રશ્નો સામે ભારતને મજબૂત રીતે ટકી રહેવાની જરૂર છે. સરકાર તરફથી વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે લોકડાઉન અંગેના કોઈપણ ખોટા મેસેજ કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો. દેશની આર્થિક ગતિવિધિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી ન પડે તે માટે તંત્ર સજ્જ છે. કેન્દ્રીય મંત્રીએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.