ગુજરાતીઓ સાવધાન! જૂન સુધી આકરો તાપ શેકશે, હીટવેવની સાથે કમોસમી વરસાદની પણ આગાહી
ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા એપ્રિલથી જૂન સુધીના ઉનાળાના ત્રણ મહિના માટે અપડેટેડ પૂર્વાનુમાન જારી કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ વર્ષે હીટવેવનું પ્રમાણ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના પશ્ચિમ ભાગોમાં ગરમીનો પારો આસમાને પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ મહિના દરમિયાન માત્ર બપોરનું તાપમાન જ નહીં, પરંતુ સવારનું લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું નોંધાશે. આનો અર્થ એ છે કે રાત્રિ અને વહેલી સવારમાં પણ ગરમીનો અનુભવ થશે. વધુમાં, પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠાં એટલે કે કમોસમી વરસાદનું પ્રમાણ પણ વધારે રહેવાની સંભાવના છે.
જોકે, હાલના અઠવાડિયામાં પશ્ચિમી વિક્ષેપને લીધે ગરમીમાં આંશિક રાહત જોવા મળી શકે છે. વધતી ગરમી અને હીટવેવની સંભાવનાને જોતા મોસમ વિભાગે રાજ્ય અને જિલ્લા પ્રશાસનોને એલર્ટ કર્યા છે. હીટવેવને કારણે જનસ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી શકે છે, તેમજ પાણી અને વીજળીની માંગમાં પણ તોતિંગ વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, બીમાર વ્યક્તિઓ અને ખુલ્લા તડકામાં કામ કરતા શ્રમિકો માટે પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવા માટે વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું જોર વધુ રહેશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોની સાથે ગુજરાતમાં પણ 'હોટ ડેઝ'ની સંખ્યામાં વધારો થશે.લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અને હીટવેવથી બચવા માટેના જરૂરી પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધતા જરૂરી સેવાઓમાં જોખમ ન સર્જાય તે માટે પ્રશાસન દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.