April 2, 2026
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં સુવિધાઓના નામે ‘મીંડું’? : સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન, ABVPએ યુનિવર્સિટી પ્રશાસનને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ...

04:12:00 PM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં સુવિધાઓના નામે ‘મીંડું’? :</strong></span> સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન, ABVPએ યુનિવર્સિટી પ્રશાસનને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ...</p>

ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં હાલ શૈક્ષણિક કાર્ય કરતા હોસ્ટેલની પાયાની સુવિધાઓનો મુદ્દો વધુ ગરમાયો છે. વિદ્યાર્થીઓના હિત માટે લડત આપતા ABVP સંગઠન દ્વારા હોસ્ટેલની જર્જરિત હાલત અને પાણીની તીવ્ર અછત મુદ્દે યુનિવર્સિટી પ્રશાસન સામે મોરચો માંડવામાં આવ્યો છે. હોસ્ટેલના બ્લોકમાં રહેતા વિદ્યાર્થીઓ છેલ્લા લાંબા સમયથી પીવાના અને વાપરવાના પાણી માટે વલખાં મારી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ ગંભીર મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા ABVPના કાર્યકર્તાઓ અને કુલપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.  ત્યારબાદ યુનિવર્સિટી પ્રશાસન હરકતમાં આવ્યું છે અને અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને સમારકામની ખાતરી આપી છે.

ABVPના પ્રમુખ વિરલ દેવ મુરારી

હોસ્ટેલની વર્તમાન સ્થિતિ અંગે રોષ વ્યક્ત કરતા ABVPના પ્રમુખ વિરલ દેવ મુરારીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં પીવાના પાણીની ગંભીર અછત છે, જેને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ છોડીને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. માત્ર પીવાનું જ નહીં, પણ ન્હાવા-ધોવાના પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે હોસ્ટેલના રૂમોની છત અત્યંત જર્જરિત છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે. ABVPએ યુનિવર્સિટી પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી આપતા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે કે જો સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના હોબાળા અને રજૂઆત બાદ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પિયુષ પટેલે સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા બે દિવસથી પાણીની સમસ્યા ટેકનિકલ કારણોસર સર્જાઈ હતી. યુનિવર્સિટીના બે મુખ્ય ટ્યુબવેલ બગડી જવાને કારણે પાણીનો પુરવઠો ખોરવાયો હતો. જોકે, તેમણે આશ્વાસન આપ્યું હતું કે એક ટ્યુબવેલનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં પાણીનો પુરવઠો પૂર્વવત થઈ જશે. ઉપરાંત, ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે આગામી 10 દિવસમાં નવો ટ્યુબવેલ પણ કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

માત્ર પાણી જ નહીં, પરંતુ હોસ્ટેલની ઇમારતના નવીનીકરણ અંગે પણ પ્રશાસને મહત્વના નિર્ણય લીધા છે. રજીસ્ટ્રારના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં વોટર કૂલરની મરામત, દીવાલો અને છતનું સમારકામ એક અઠવાડિયાની અંદર પૂર્ણ કરવામાં આવશે.

એસ્ટેટ વિભાગને પણ કડક સૂચના આપવામાં આવી છે કે હોસ્ટેલના વોશરૂમની સફાઈ, વોટર કૂલરની મરામત અને જર્જરિત છતના રિનોવેશનનું કામ એક અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ મળી શકે.