ગુજરાતમાં 3 વેધર સિસ્ટમ સક્રિય: આગામી બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ઉનાળાની શરૂઆત વચ્ચે વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારે પવન, ગાજવીજ અને આંધી-તોફાન સાથે મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એકસાથે 3 વેધર સિસ્ટમ સક્રિય થતાં ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતા વધી છે.
પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસર હેઠળ રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
આજે અને 3 એપ્રિલે આ જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. જ્યારે 3 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે
અમદાવાદ શહેરના વાતાવરણની વાત કરીએ તો, શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, બદલાયેલા વાતાવરણને કારણે આગામી 2 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે.
અચાનક આવેલા આ માવઠાને કારણે ખેડૂતોને તેમના તૈયાર પાક અને માર્કેટ યાર્ડમાં રહેલી ખેતપેદાશોને સુરક્ષિત જગ્યાએ ઢાંકીને રાખવાની સલાહ આપવામાં આવી છે.
ડૉ. એ. કે. દાસ, હવામાન વિભાગના ડાયરેક્ટર, અમદાવાદ