માછીમારોને દરિયો ન ખેડવા સૂચના....7 એપ્રિલે વરસાદી માહોલ બાદ કાળઝાળ ગરમીનો પ્રકોપ
ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવા જઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા સેવાઈ રહી છે. આ કુદરતી ફેરફારને કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે, જેની સીધી અસર જનજીવન અને ખેતી પર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 એપ્રિલના રોજ રાજ્યમાં કમોસમી વરસાદનો મુખ્ય રાઉન્ડ આવશે. આ દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
જોકે, આ આગાહી પૂર્વે આગામી બે દિવસ સુધી વાતાવરણ સામાન્ય રહેવાની ધારણા છે, પરંતુ આકાશ વાદળછાયું રહી શકે છે. વરસાદની આ આગાહીમાં દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબી જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણમાં પણ માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે. કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.આવતીકાલથી જ રાજ્યમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે તેમ હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને 6 અને 7 એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે જેથી કોઈ અણધારી હોનારત ટાળી શકાય.હાલમાં અમદાવાદ અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર રહેશે, જે ઉનાળાની સરખામણીએ થોડું રાહતજનક કહી શકાય. જોકે, પવન અને વાદળછાયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ વધી શકે છે.
પવનની બદલાતી દિશાને કારણે લોકોએ મિશ્ર ઋતુનો અનુભવ કરવો પડશે. માવઠાનો આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ તુરંત જ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે. 8 એપ્રિલથી રાજ્યમાં તાપમાનનો પારો ફરીથી ઉંચકાશે અને કાળઝાળ ગરમીની શરૂઆત થશે. આમ, રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદની ભીતિ છે, તો બીજી તરફ ટૂંકા વિરામ બાદ આકરા ઉનાળાનો સામનો કરવા માટે પણ નાગરિકોએ તૈયાર રહેવું પડશે.