ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી : કયા જિલ્લાઓમાં પડશે વરસાદ? જુઓ સંપૂર્ણ વિગત...
ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની સાથે સર્જાયેલી ટ્રફ લાઈનની અસરને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. જોકે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી અને હવામાન કોરું રહ્યું છે, પરંતુ બદલાયેલા પવનો અને વાતાવરણમાં સર્જાયેલા ફેરફારને કારણે ગરમીના પારામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી ૩ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે, જેનાથી નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે.
આજની વાત કરીએ તો, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર તેમજ મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે. 30મી તારીખે રાજ્યના કેટલાક આઇસોલેટેડ સ્થળોએ ગાજવીજ સાથે થન્ડરસ્ટોર્મની ગતિવિધિઓ જોવા મળી શકે છે, જેને લઈને તંત્ર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના મતે આ સ્થિતિ માત્ર ટૂંકા ગાળાની નથી, પરંતુ એપ્રિલની શરૂઆતમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. 2 અને 3 એપ્રિલના રોજ ફરી એકવાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પણ તેજ રહેશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ગાંધીનગરનું તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ભરઉનાળે વરસાદની આ આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.