ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રીથી આજે આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ, આ તારીખથી હવામાન બદલાશે...
અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને એક મહત્વની આગાહી કરવામાં આવી છે, જેના પગલે સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ જાગી છે. હાલમાં એક શક્તિશાળી 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સિસ્ટમની અસરને પગલે આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકમાં આકાશ વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે ઉનાળાની આકરા તાપ વચ્ચે લોકોને થોડી રાહત આપશે પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ
આગામી દિવસોમાં વરસાદનો આ વ્યાપ વધુ વિસ્તરશે તેવી વિગતો પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. આગામી 7 એપ્રિલના રોજ રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં મેઘમહેર જોવા મળી શકે છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જેવા સરહદી વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, મહીસાગર, છોટાઉદેપુર, તાપી, નર્મદા અને ડાંગ જેવા આદિવાસી પટ્ટા ધરાવતા જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
જોકે, આ માવઠાની અસર લાંબો સમય નહીં ટકે, કારણ કે 8 એપ્રિલ પછી વાતાવરણ ફરી એકવાર ચોખ્ખું થઈ જશે અને ત્યારબાદ તાપમાનનો પારો અચાનક ઉંચકાશે. હવામાન વિભાગના મતે 8 એપ્રિલ બાદ ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, જેનાથી રાજ્યમાં ફરી એકવાર આકરો ઉનાળો પોતાની પકડ મજબૂત કરશે.