સુરતના 101 કેન્દ્રો પર GUJCETનો જંગ: 18,000થી વધુ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં કારકિર્દી ઘડવા મેદાને
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટની પરીક્ષાનો આજે સુરત શહેરમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ચહલપહલ જોવા મળી હતી. પોતાની કારકિર્દીને એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા મહત્વના ક્ષેત્રોમાં આગળ વધારવા માટે વિદ્યાર્થીઓ પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પરીક્ષાના સુચારુ સંચાલન માટે શિક્ષણ વિભાગ દ્વારા કુલ 101 પરીક્ષા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર અંદાજે 18,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા છે.
એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ સત્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેમના માટે વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયોની કસોટી લેવામાં આવી રહી છે. તમામ 101 પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વાર પર સઘન ચેકિંગ બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી કેમેરા અને ઓબ્ઝર્વરો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે શાળાના પ્રિન્સીપાલ દિપિકા શુક્લાએ જણાવ્યું હતું કે, "અમે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપી છે. પરીક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને પેપર લખી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે. વાલીઓ માટે પણ વેઇટિંગ એરિયાની વ્યવસ્થા કરાઈ છે જેથી તેમને બહાર ઊભા ન રહેવું પડે."
ગુજકેટની આ પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ અને મેડિકલ સંલગ્ન ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવાના દ્વાર ખુલશે. સુરતની તમામ શાળાઓ અને શિક્ષણ જગત દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. મોડા સુધી ચાલનારી આ પરીક્ષા બાદ શહેરના ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.