હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે? તો સારા પરિણામ માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહિતર મહેનત જશે પાણીમાં!
શું તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અથવા કરાવવાનું વિચારી રહ્યા છો? યાદ રાખો, સર્જનનું કામ ઓપરેશન થિયેટરમાં પૂરું થાય છે, પણ તમારી જવાબદારી ત્યાંથી શરૂ થાય છે. નવા વાળને સુરક્ષિત રાખવા અને આજીવન ભરાવદાર લુક જાળવી રાખવા માટે કઈ ભૂલોથી બચવું જોઈએ? ચાલો જાણીએ હેર ટ્રાન્સપ્લાન્ટ પછીની રિકવરી અને વાળની જાળવણીનું સંપૂર્ણ ગણિત.
આજના આધુનિક યુગમાં હેર ટ્રાન્સપ્લાન્ટ એ ટાલિયાપણું દૂર કરવા માટેનો સૌથી અસરકારક ઉપાય સાબિત થયો છે. જોકે, માત્ર સર્જરી કરાવી લેવી પૂરતી નથી, સર્જરી બાદના પ્રથમ કેટલાક અઠવાડિયાની યોગ્ય કાળજી જ નક્કી કરે છે કે તમારું પરિણામ કેવું આવશે.
જો ઓપરેશન પછીની સંભાળમાં ભૂલ થાય, તો 'ગ્રાફ્ટ રિ-ગ્રોથ રેટ' પર નકારાત્મક અસર પડી શકે છે.સર્જરી બાદ માથું ધોવા માટે સામાન્ય શેમ્પૂને બદલે ડૉક્ટર દ્વારા સૂચવેલા ખાસ લોશન અને મેડિકલ શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ. ટ્રાન્સપ્લાન્ટની સફળતા 50% સર્જરી પર અને 50% તમારી આફ્ટર-કેર (સંભાળ) પર નિર્ભર કરે છે. યોગ્ય સાવચેતી રાખીને તમે આજીવન કુદરતી અને ભરાવદાર વાળનો આનંદ માણી શકો છો.
લોશન
ટ્રાન્સપ્લાન્ટ કરેલા ભાગ પર લોશન લગાવી 30 મિનિટ રહેવા દેવું, જેથી સર્જરીના પોપડા નરમ પડે. માથું ધોતી વખતે પાણીનું પ્રેશર ઓછું રાખવું અને વાળ સુકવવા માટે ટુવાલ ઘસવાને બદલે પેપર નેપકિનથી હળવા હાથે ટેપ કરવું. સામાન્ય રીતે 14 દિવસ પછી નિયમિત રીતે માથું ધોઈ શકાય છે.
રિકવરી દરમિયાન સામાન્ય ફેરફારો
ઓપરેશન પછી થોડા દિવસો સુધી સામાન્ય સોજો, દુખાવો કે ખંજવાળ આવવી સ્વાભાવિક છે. સોજો ઘટાડવા માટે માથું ઊંચું રાખીને સૂવાની સલાહ આપવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું કે કોઈપણ સંજોગોમાં માથામાં નખ મારવા કે ખંજવાળવું જોઈએ નહીં. જો દાઢીના વાળનો ડોનર તરીકે ઉપયોગ થયો હોય, તો એક અઠવાડિયા પછી શેવિંગ કરી શકાય છે.
ક્યારે દેખાશે નવા વાળ?
હેર ટ્રાન્સપ્લાન્ટનું પરિણામ રાતોરાત મળતું નથી, તેના માટે ધૈર્ય જરૂરી છે, પ્રથમ 3 અઠવાડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ ખરી જાય છે, જે એક કુદરતી પ્રક્રિયા છે. 3 થી 4 મહિના પછી નવા વાળ ઉગવાનું શરૂ થાય છે. 6 મહિનામાં 60% અને 10 થી 12 મહિના પછી જ ફાઈનલ લુક જોવા મળે છે.