'અલવિદા મારા લાલ, હવે શાંતિથી જા...', હરીશ રાણાના કપાળ પર અંતિમ ચૂંબન ભરીને માતા-પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા...
એક માતા-પિતા માટે પોતાના સંતાનને કાંધ આપવી એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે, પરંતુ 13 વર્ષ સુધી વેદનામાં તરફડતા પોતાના ‘કાળજાના કટકા’ને મુક્તિ અપાવવી એ તેનાથી પણ મોટો બલિદાનનો નિર્ણય છે. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં જ્યારે હરીશ રાણાએ અંતિમ શ્વાસ લીધા, ત્યારે વાતાવરણમાં કોઈ આક્રંદ નહોતું, પણ એક પવિત્ર શાંતિ અને ગમગીની હતી. માતા નિર્મલા દેવીએ કાળજા પર પથ્થર રાખીને પોતાના પુત્રના કપાળને છેલ્લી વાર ચૂમ્યું અને ભીની આંખે ધીમેથી તેના કાનમાં કહ્યું, "અલવિદા મારા લાલ... હવે જા, શાંતિથી જા. બધાને માફ કરી દેજે અને સૌથી માફી માંગી લેજે." 13 વર્ષથી જે દીકરો માત્ર મશીનોના સહારે શ્વાસ લઈ રહ્યો હતો, તેને પોતાની નજર સામે કાયમ માટે પોઢી જતો જોવો એ દ્રશ્ય હોસ્પિટલના સ્ટાફ અને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની કરી ગયું. પિતા અશોક રાણાએ પણ ભારે હૈયે પત્નીને હિંમત આપી અને વર્ષોથી ચાલી આવતી આ અસહ્ય પીડાનો અંત આણ્યો.
હરીશ રાણાની આ સંઘર્ષગાથા વર્ષ 2013માં રક્ષાબંધનના પવિત્ર દિવસે શરૂ થઈ હતી. ચંદીગઢમાં સિવિલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો 19 વર્ષનો હરીશ હોસ્ટેલની ચોથા માળેથી પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતે તેને 'પરમેનન્ટ વેજિટેટિવ સ્ટેટ' (સ્થાયી વનસ્પતિ અવસ્થા)માં લાવી દીધો, જ્યાં તે ન તો હલી શકતો હતો, ન બોલી શકતો હતો. 13 વર્ષ સુધી માતા-પિતાએ દરેક તહેવાર અને દરેક દિવસ હરીશની પથારી પાસે જ વિતાવ્યા, એ આશામાં કે કદાચ કોઈ ચમત્કાર થશે અને તેમનો લાલ બેઠો થશે. પરંતુ સમય જતાં હરીશના શરીરમાં થતી પીડા વધતી ગઈ. અંતે, પોતાના દીકરાને આ નરક સમાન વેદનામાંથી મુક્તિ અપાવવા માટે માતા-પિતાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા અને 'પેસિવ યુથેનેશિયા' એટલે કે સન્માનજનક મૃત્યુની પરવાનગી માંગી. અદાલતે આ ભાવનાત્મક અને જટિલ કેસમાં માતા-પિતાની વેદના સમજીને પરવાનગી આપી, જે ભારતીય ન્યાયતંત્રમાં એક વિરલ કિસ્સો બની રહ્યો.
હરીશના જવાથી તેમના રહેણાંક વિસ્તારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. સોસાયટીના રહીશો જેઓ વર્ષોથી આ પરિવારના સંઘર્ષના સાક્ષી રહ્યા છે, તેઓ પણ હરીશની બહાદુરી અને તેના માતા-પિતાની અડગ મમતાને વંદન કરી રહ્યા છે. મેડિકલ કારણોસર હરીશના અંતિમ સંસ્કાર દિલ્હીના ગ્રીન પાર્ક સ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવશે. પિતા અશોક રાણાએ ડૂસકું ભરતા જણાવ્યું કે, તેઓ દરરોજ સવારે એ આશા સાથે ઉઠતા હતા કે આજે દીકરો જાગશે, પણ આજે ભાગ્યના ખેલ જુઓ કે તેમણે પોતે જ દીકરાને કાયમ માટે સૂઈ જવાની રજા આપવી પડી. હરીશ હવે શારીરિક બંધનો અને પીડાથી મુક્ત થઈ ગયો છે, પરંતુ તેની પાછળ મૂકી ગયેલી સંઘર્ષની વાર્તા અને માતા-પિતાનો અતુલ્ય ત્યાગ હંમેશા યાદ રાખવામાં આવશે.