હરિયાણામાં બેંકિંગ કૌભાંડનો પર્દાફાશ : IDFC બાદ હવે કોટક મહિન્દ્રા બેંકમાંથી નગર નિગમના ₹160 કરોડ ગાયબ, કાગળ પરની FD નીકળી નકલી...
હરિયાણામાં સરકારી નાણાંની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે, જ્યાં IDFC ફર્સ્ટ બેંકના કરોડોના કૌભાંડની તપાસ હજુ શમી નથી ત્યાં કોટક મહિન્દ્રા બેંકમાં પંચકુલા નગર નિગમના 160 કરોડ રૂપિયા ગાયબ થવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પંચકુલા નગર નિગમે પોતાની ફાજલ મૂડીને સુરક્ષિત રાખવા માટે કોટક મહિન્દ્રા બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવી હતી. નિગમ લાંબા સમય સુધી એ ભ્રમમાં રહ્યું કે તેમના નાણાં સુરક્ષિત છે અને વ્યાજ વધી રહ્યું છે, પરંતુ જ્યારે 58 કરોડ રૂપિયાની એક FD પાકતી મુદતે પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આ મહાકૌભાંડનો પર્દાફાશ થયો હતો. બેંક દ્વારા આપવામાં આવેલા સ્ટેટમેન્ટમાં રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જણાવાયું હતું, પરંતુ વાસ્તવિક રીતે નિગમના અધિકૃત ખાતામાં એક રૂપિયો પણ જમા થયો નહોતો.
આ મામલાની ગંભીરતાને જોતા જ્યારે નિગમ દ્વારા અન્ય તમામ FDની તપાસ કરવામાં આવી ત્યારે સત્તાધારીઓ સ્તબ્ધ રહી ગયા હતા. તપાસમાં બહાર આવ્યું કે બેંકના અધિકારીઓએ નિગમને જે પણ કાગળો અને FDની રસીદો આપી હતી તે તમામ નકલી અને બનાવટી હતી. બેંકના કર્મચારીઓએ મેળાપીપણું કરીને નિગમના નાણાં વાસ્તવિક એફડીમાં રોકવાને બદલે કોઈ અજ્ઞાત નકલી ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા અને નિગમને માત્ર કાગળ પર જ રકમ જમા હોવાનો સંતોષ આપતા રહ્યા હતા. આટલી મોટી રકમની હેરાફેરી કોઈ એક વ્યક્તિનું કામ ન હોઈ શકે, તેથી આમાં બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે નગર નિગમના જ કેટલાક અંદરના કર્મચારીઓ સામેલ હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. હાલમાં નિગમ દ્વારા આ મામલે FIR નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે અને રાજ્ય સરકારને પત્ર લખી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
નોંધનીય છે કે હરિયાણામાં આ પ્રકારનું આ બીજું મોટું બેંકિંગ કૌભાંડ છે. આ અગાઉ ચંદીગઢ સ્થિત IDFC ફર્સ્ટ બેંકની શાખામાંથી હરિયાણા સરકારના અંદાજે 590 કરોડ રૂપિયા ગાયબ થવાનો મામલો ગાજ્યો હતો. તે કેસમાં પણ નકલી ખાતાઓ અને ખોટા દસ્તાવેજોનો સહારો લઈને સરકારી તિજોરીને કરોડોનો ફટકો મારવામાં આવ્યો હતો. હરિયાણા સ્ટેટ વિજિલન્સ અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો હાલ આ બંને મોટા કૌભાંડોની કડીઓ જોડી રહ્યું છે. બેંકો દ્વારા જે રીતે વિશ્વાસઘાત આચરીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે, તેનાથી હવે સરકારી વિભાગોમાં ખાનગી બેંકોમાં નાણાં રાખવા બાબતે ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્ય સરકાર હવે આ મામલે કડક વલણ અપનાવી રહી છે જેથી જનતાના ટેક્સના પૈસા રિકવર કરી શકાય અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલી શકાય.