વારંવાર મોંમાં ચાંદા કે પગમાં ઝણઝણાટી? આ વિટામિન B12 ની ઉણપના સંકેત હોઈ શકે, જાણો સાચું પ્રમાણ
આજના સમયમાં બદલાતી જીવનશૈલી અને અયોગ્ય ખાનપાનને કારણે વિટામિન B12 ની ઉણપ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. વિટામિન B12 એ ચેતાતંત્ર એનર્જી પ્રોડક્શન અને લાલ રક્તકણોના નિર્માણ માટે અનિવાર્ય પોષક તત્વ છે. આ વિટામિન આપણા કોષોમાં DNA બનાવવામાં મદદરૂપ થાય છે અને તેની ઉણપથી મેગાલોબ્લાસ્ટિક એનિમિયા જેવી રક્તની બીમારી થઈ શકે છે, જે શરીરમાં અસહ્ય થાક અને નબળાઈ પેદા કરે છે. શરીરમાં વિટામિન B12 ની જરૂરિયાત દરેક ઉંમરે અલગ-અલગ હોય છે.
સામાન્ય રીતે લોહીમાં તેનું સ્તર 200 થી 900 pg/mL ની વચ્ચે હોવું જોઈએ. જો આ સ્તર 200 pg/mL થી ઓછું હોય તો તેને ગંભીર ઉણપ માનવામાં આવે છે, જ્યારે 200 થી 300 pg/mL ની વચ્ચેનું સ્તર બોર્ડરલાઈન ઉણપ દર્શાવે છે. શિશુઓ અને બાળકોના મગજના વિકાસ માટે 250-550 pg/mL સ્તર આદર્શ ગણાય છે, જ્યારે કિશોરો અને વયસ્કોએ ઉર્જા જાળવી રાખવા માટે 300 થી 900 pg/mL સુધીનું સ્તર જાળવવું જરૂરી છે.
60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોમાં વિટામિન B12 નું શોષણ કરવાની શક્તિ કુદરતી રીતે ઘટે છે, તેથી તેમણે 300 થી 500 pg/mL ના સ્તર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જો શરીરમાં સતત થાક લાગવો, હાથ-પગમાં ઝણઝણાટી કે નિષ્ક્રિયતા આવવી, યાદશક્તિ ઓછી થવી અથવા ત્વચા પીળી પડવી જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર B12 ટેસ્ટ કરાવવો હિતાવહ છે. વહેલા નિદાનથી ચેતાતંત્રને થતું કાયમી નુકસાન અટકાવી શકાય છે.
આ વિટામિનની ઉણપનું સૌથી વધુ જોખમ શાકાહારી અને વીગન લોકોમાં જોવા મળે છે, કારણ કે B12 મુખ્યત્વે પ્રાણીજન્ય ખોરાકમાં જોવા મળે છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને પાચન સંબંધી સમસ્યાઓની નિયમિત તપાસ કરાવવી જોઈએ. જે લોકોને કોઈ લક્ષણો નથી પરંતુ જોખમ વધુ છે, તેમણે દર 1 થી 2 વર્ષે એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ.
ગંભીર ઉણપ અથવા પાચનતંત્રમાં શોષણની સમસ્યા હોય તેવા કિસ્સામાં નિષ્ણાતો B12 ના ઈન્જેક્શન લેવાની સલાહ આપે છે. સારવાર શરૂ કર્યા પછી તે કેટલી અસરકારક છે તે જાણવા માટે દર ૩ થી 6 મહિને ટેસ્ટનું પુનરાવર્તન કરવું જરૂરી છે. વિટામિન B12 ની ઉણપને અવગણવી એ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા સમાન છે, તેથી જાગૃતિ અને સમયાંતરે નિદાન એ જ સ્વસ્થ જીવનની ચાવી છે.