ગોરા જન્મેલા બાળકોનો રંગ પછી કેમ દબાઈ જાય છે? માતા-પિતા માટે જાણવી જરૂરી છે આ ખાસ વાત
દરેક માતા-પિતા માટે તેમના ઘરે પારણું બંધાય તે ક્ષણ સૌથી યાદગાર હોય છે. સામાન્ય રીતે આપણે જોયું છે કે નવજાત શિશુ જ્યારે જન્મે છે ત્યારે તેનો રંગ અત્યંત ગુલાબી, લાલ કે દૂધ જેવો સફેદ હોય છે. હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવ્યાના થોડા અઠવાડિયા સુધી બાળકનો આ જ ગોરો રંગ જળવાઈ રહે છે, પરંતુ અચાનક બે થી ત્રણ મહિના પછી બાળકની ત્વચાનો રંગ બદલાવા લાગે છે. ઘણીવાર ગોરું દેખાતું બાળક શ્યામ વર્ણનું થવા લાગે છે, જેને જોઈને વાલીઓ ચિંતામાં મુકાઈ જાય છે કે શું બાળકના સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ છે? પરંતુ વિજ્ઞાન કહે છે કે આ કોઈ જાદુ કે બીમારી નથી, પણ કુદરતની એક અદભૂત પ્રક્રિયા છે.
બાળકની પાતળી ત્વચા, રક્તવાહિનીઓનું જોડાણ અને શરીરમાં રહેલું 'મેલેનિન' નામનું તત્વ આ રંગ પરિવર્તન માટે જવાબદાર છે. ચાલો જાણીએ, જન્મ સમયે બાળકો કેમ ગુલાબી હોય છે અને કેમ સમય જતાં તેમનો અસલી રંગ બહાર આવે છે. જન્મ સમયે બાળકની ત્વચા અત્યંત પાતળી હોય છે. ત્વચા પાતળી હોવાને કારણે તેની નીચે રહેલી રક્તવાહિનીઓ સ્પષ્ટ દેખાય છે, જેના લીધે બાળકનો રંગ લાલ કે ગુલાબી ભાસે છે. ખાસ કરીને અકાળે જન્મેલા બાળકોની ત્વચા વધુ પાતળી હોવાથી તેઓ વધુ લાલ દેખાય છે. આ તે સમયનો કુદરતી દેખાવ છે, જે બાળકની ત્વચાની પરિપક્વતા સાથે બદલાતો રહે છે.
બાળકનો કાયમી રંગ તેના શરીરમાં રહેલા 'મેલેનિન' નામના રંગદ્રવ્ય પર આધારિત હોય છે. જ્યારે બાળક ગર્ભાશયમાં હોય છે, ત્યારે ત્યાં અંધારું હોવાથી આ રંગદ્રવ્ય સક્રિય હોતું નથી. પરંતુ જન્મ્યા બાદ જ્યારે બાળક બાહ્ય વાતાવરણ અને પ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે મેલાનોસાઇટ્સ કોષો મેલેનિન છોડવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયા ધીમી હોય છે અને લગભગ 2 વર્ષની ઉંમર સુધીમાં બાળકનો અસલી અને કાયમી રંગ સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે. આ રંગ પરિવર્તનમાં સૌથી મહત્વની ભૂમિકા માતા-પિતાના જનીનો ભજવે છે. બાળકનો રંગ કેવો હશે તે વારસામાં મળેલા જનીનો નક્કી કરે છે.
જો માતા-પિતા શ્યામ વર્ણના હોય, તો બાળક પણ ધીમે-ધીમે તે જ રંગ પકડશે, ભલે તે જન્મ સમયે ગમે તેટલું ગોરું દેખાતું હોય. સામાજિક ગેરમાન્યતા એવી છે કે ખાસ પ્રકારના સાબુ કે ક્રીમ લગાવવાથી બાળકનો રંગ ગોરો કરી શકાય છે, પરંતુ વિજ્ઞાન અનુસાર દુનિયાનો કોઈ પણ સાબુ કુદરતી રંગ બદલી શકતો નથી. નિષ્ણાતો વધુમાં ચેતવણી આપે છે કે બાળકને ગોરું કરવા માટે કઠોર સાબુ કે ઘરગથ્થુ નુસખા વાપરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. બાળકની ત્વચા અત્યંત સંવેદનશીલ હોવાથી કેમિકલયુક્ત સાબુથી એલર્જી કે લાલ ફોલ્લીઓ થઈ શકે છે. બેબી-ફ્રેન્ડલી સાબુનો જ ઉપયોગ કરવો જોઈએ. રંગ કરતાં બાળકની ત્વચાનું સ્વાસ્થ્ય અને ભેજ જાળવવો વધુ અનિવાર્ય છે.
જન્મ પછી જોવા મળતા લાલ ડાઘા કે પીઠ પરના વાદળી ફોલ્લીઓ મોટાભાગે સામાન્ય હોય છે અને સમય જતાં પોતાની મેળે મટી જાય છે. વાલીઓએ બાળકના રંગને લઈને ચિંતિત થવાને બદલે તેના યોગ્ય વિકાસ અને પોષણ પર ધ્યાન આપવું જોઈએ. કુદરતી રીતે જે રંગ નિર્ધારિત થયો છે, તેને સ્વીકારી બાળકની ત્વચાની કાળજી લેવી એ જ શ્રેષ્ઠ અભિગમ છે.