April 2, 2026
ગુજરાત

અન્ય રાજ્યો 'હાઈ-ટેક' અને ગુજરાત 'આઉટડેટેડ'? બ્લોકચેન અને QR કોડ વગરની માર્કશીટ સામે કોંગ્રેસનો લલકાર!

02:22:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અન્ય રાજ્યો 'હાઈ-ટેક' અને ગુજરાત 'આઉટડેટેડ'?</strong></span> બ્લોકચેન અને QR કોડ વગરની માર્કશીટ સામે કોંગ્રેસનો લલકાર!</p>

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે રાજ્ય સરકારના "ડિજિટલ ગુજરાત"ના ઉંચા દાવાઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ દાયકાઓ જૂના અને અસુરક્ષિત ફોર્મેટમાં આપવામાં આવી રહી છે. સરકારની આ ઉદાસીનતાને તેમણે "વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો સંસ્થાગત અન્યાય" ગણાવ્યો છે. હેમાંગ રાવલે અન્ય રાજ્યોના બોર્ડ અને રાષ્ટ્રીય બોર્ડ્સનું ઉદાહરણ આપતા કહ્યું કે, આજે કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો બ્લોકચેન, QR કોડ અને ડિજિટલ સિગ્નેચર જેવી આધુનિક ટેકનોલોજી અપનાવીને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી રહ્યા છે.

જ્યારે ગુજરાત બોર્ડ હજુ પણ માત્ર પેપર આધારિત જૂની સિસ્ટમમાં જ અટવાયેલું જોવા મળે છે. GSEB ની માર્કશીટમાં સુરક્ષા અને ઓળખના પાયાના ફીચર્સનો અભાવ છે. માર્કશીટમાં વિદ્યાર્થીનો ફોટોગ્રાફ, જન્મ તારીખ, QR કોડ અને માતાના નામ જેવી મહત્વપૂર્ણ વિગતો હોતી નથી. આ ખામીઓને કારણે નકલી માર્કશીટ અને ડોક્યુમેન્ટ ફ્રોડની સંભાવનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, જે પ્રામાણિક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મોટું જોખમ છે. આધુનિક ટેકનોલોજીના અભાવે ગુજરાતના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ભારે વિલંબનો સામનો કરવો પડે છે.

અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની માર્કશીટ સેકન્ડોમાં ઓનલાઇન વેરિફાય થઈ જાય છે, જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ અનાવશ્યક સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે છે અને આર્થિક બોજ સહન કરવો પડે છે. કોંગ્રેસે આંકડાકીય તુલના કરતા જણાવ્યું કે, અન્ય બોર્ડ્સમાં ડેટા છેડછાડ ન થઈ શકે તેવો હોય છે, જ્યારે ગુજરાતની સિસ્ટમ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત નબળી છે. ડિજિટલ ઇન્ડિયાના સમયમાં આવી જૂના જમાનાની માર્કશીટ ચલાવી લેવી એ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓના કૌશલ્ય અને મહેનતનું અપમાન છે. હેમાંગ રાવલે રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે કે, આ વર્ષે જાહેર થનાર માર્કશીટમાં તાત્કાલિક અસરથી QR કોડ અને બ્લોકચેન આધારિત સુરક્ષા સિસ્ટમ લાગુ કરવામાં આવે.

આ સાથે માર્કશીટમાં વિદ્યાર્થીનો ફોટોગ્રાફ, જન્મ તારીખ અને માતાનું નામ ફરજિયાત ઉમેરવા તેમજ DigiLocker સાથે સંપૂર્ણ ઇન્ટિગ્રેશન કરવાની પણ માંગ કરી છે.સરકાર માત્ર જાહેરાતો અને ભાષણોમાં "ડિજિટલ ગુજરાત"ની વાતો ન કરે, પરંતુ વાસ્તવિક સ્તરે વિદ્યાર્થીઓના હિતમાં ટેકનોલોજીકલ સુધારા કરે. જો સરકાર આ દિશામાં સમયબદ્ધ એક્શન પ્લાન જાહેર નહીં કરે, તો ગુજરાતના વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોની સરખામણીમાં વૈશ્વિક સ્પર્ધામાં પછાત રહી જશે.