'હેરાફેરી 3' પર ફરી ગ્રહણ: લેખકે જ ફિલ્મ છોડી દેતા પ્રોજેક્ટ અધ્ધરતાલ
હિન્દી સિનેમાની સૌથી વધુ પ્રતિક્ષિત કોમેડી ફિલ્મ 'હેરાફેરી 3' ના માર્ગમાં ફરી એકવાર અવરોધ આવ્યો છે. જે ફિલ્મની ચાહકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, તે અત્યારે કાનૂની અને આંતરિક વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. તાજેતરમાં ફિલ્મના લેખક રોહન શંકરે પ્રોજેક્ટમાંથી વિદાય લેતા ફિલ્મનું ભવિષ્ય ફરી ધૂંધળું દેખાઈ રહ્યું છે. ફિલ્મના લેખક રોહન શંકરે પ્રોજેક્ટ છોડવા પાછળનું મુખ્ય કારણ સતત ઉભી થતી કાનૂની સમસ્યાઓને ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વારંવાર આવતા વિધ્નોને કારણે સર્જનાત્મક કામ થઈ શકતું નથી.
આ કાનૂની જંગથી કંટાળીને તેમણે આખરે ફિલ્મના નિર્માતાઓનો સાથ છોડવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આ ફિલ્મની મુસીબતો નવી નથી. અગાઉ, 'બાબુરાવ' ના પાત્રથી લોકપ્રિય બનેલા પરેશ રાવલે અચાનક ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી. આ બાબતે નિર્માતાઓએ તેમને કાનૂની નોટિસ પણ ફટકારી હતી. જોકે, પાછળથી તેમને મનાવી લેવામાં આવ્યા હતા, પરંતુ વિવાદોનો અંત આવ્યો નહોતો. ફિલ્મ માટે સૌથી મોટી મુસીબત ત્યારે ઉભી થઈ જ્યારે મૂળ મલયાલમ ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ' ના સર્જકો મેદાનમાં આવ્યા. તેમણે દાવો કર્યો છે કે આ ફ્રેન્ચાઈઝીના મૂળભૂત અધિકારો તેમની પાસે છે. આ હકની લડાઈને કારણે ફિલ્મનું શૂટિંગ કાયદેસરની ગૂંચવણોમાં અટવાયેલું છે, જે હવે ગંભીર વળાંક લઈ રહ્યું છે.
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આ આઇકોનિક ત્રિપુટીને ફરી પડદા પર જોવાનું સપનું સેવતા ચાહકો માટે આ મોટા આંચકા સમાન સમાચાર છે. એક તરફ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની તૈયારીઓ હતી, ત્યાં લેખકના રાજીનામાથી સ્ક્રિપ્ટ લેવલે જ ફરી મોટો પ્રશ્નાર્થ ચિન્હ ઉભો થયો છે 'હેરાફેરી ' ના નિર્માણ પાછળ જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક વિધ્નો આવી રહ્યા છે. લેખકે ફિલ્મ છોડ્યા બાદ હવે નવેસરથી સ્ક્રિપ્ટ પર કામ કરવું પડશે અથવા નવા લેખકની શોધ કરવી પડશે. શું આ ફિલ્મ ક્યારેય સિનેમાઘરો સુધી પહોંચી શકશે? તે સવાલ અત્યારે બોલિવુડ ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.