April 4, 2026
રાજનીતિ

દુર્લભજી દેથારિયાની જીતને પડકારતી લલિત કગથરાની અરજી હાઈકોર્ટે કેમ નકારી? જાણો શું હતો સમગ્ર વિવાદ

06:42:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>દુર્લભજી દેથારિયાની જીતને પડકારતી લલિત કગથરાની અરજી હાઈકોર્ટે કેમ નકારી? </strong></span>જાણો શું હતો સમગ્ર વિવાદ</p>

વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરબીની ટંકારા બેઠક પર હાઈપ્રોફાઈલ જંગ જોવા મળ્યો હતો. કોંગ્રેસ પક્ષે અહીંથી કદાવર નેતા લલિત કગથરાને મેદાને ઉતાર્યા હતા, જ્યારે ભાજપ તરફથી દુર્લભજી દેથારીયા ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં દુર્લભજી દેથારીયાને 83,274 વોટ મળ્યા હતા, જ્યારે લલિત કગથરાને 73,083 વોટ મળતા ભાજપનો આશરે 10 હજાર મતોથી વિજય થયો હતો. પરાજિત ઉમેદવાર લલિત કગથરાએ વિજેતા ઉમેદવાર દુર્લભજી દેથારીયાના ચૂંટણી ફોર્મમાં ગંભીર ક્ષતિઓ હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારે જાણીજોઈને ઘણી વિગતો છુપાવી છે અથવા ખોટી રીતે રજૂ કરી છે, જેના કારણે તેમની ચૂંટણી રદબાતલ ઠેરવવી જોઈએ. લલિત કગથરાએ પોતાની અરજીમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો કે દુર્લભજી દેથારીયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જાણકારી આપી નહોતી. આ ઉપરાંત, પાછલા વર્ષોના ઇન્કમટેક્સ રિટર્નમાં વર્ષોની સ્પષ્ટતાનો અભાવ, ક્રિમિનલ કેસોના ખાનામાં વિગતો આપવાને બદલે માત્ર આડી લીટી કરવી અને મિલકતો તથા ચૂંટણી ખર્ચની વિગતોમાં પણ અસ્પષ્ટતા હોવાના મુદ્દા ઉઠાવ્યા હતા.

હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન દુર્લભજી દેથારીયા વતી દલીલ કરવામાં આવી હતી કે જનતાએ તેમને 10 હજાર મતોની વિજેતા બનાવ્યા છે. હારનાર ઉમેદવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો માત્ર ટેકનિકલ અને સામાન્ય પ્રકારની ભૂલો છે, જે ચૂંટણીના પરિણામને અસર કરતી નથી. લોકશાહીમાં પ્રજાના જનાદેશને આવા નાના કારણોસર નકારી શકાય નહીં. ગુજરાત હાઈકોર્ટે લલિત કગથરાના તમામ આક્ષેપોને વિસ્તૃત રીતે ચકાસ્યા હતા. કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો હવાલો ટાંકીને અવલોકન કર્યું હતું કે ચૂંટણી ફોર્મમાં રહેલી નાની-મોટી ટેકનિકલ ખામીઓ ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે પૂરતી નથી.

હાઈકોર્ટે ચુકાદો દુર્લભજી દેથારીયાની તરફેણમાં આપતા કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. આ ચુકાદા સાથે જ ટંકારા બેઠક પર લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ખેંચતાણનો અંત આવ્યો છે. ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથારીયા માટે આ એક મોટી રાહત સમાન છે, કારણ કે તેમની ધારાસભ્ય તરીકેની પદવી હવે સુરક્ષિત છે. બીજી તરફ, કોંગ્રેસ નેતા લલિત કગથરા માટે આ એક મોટો રાજકીય અને કાનૂની ફટકો માનવામાં આવી રહ્યો છે.