April 5, 2026
ભારત

હિમાચલ પ્રદેશમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડતા મચી ચીસાચીસ, 4 ના મોત અને 18 મુસાફરોનો આબાદ બચાવ

10:41:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હિમાચલ પ્રદેશમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડતા મચી ચીસાચીસ, </strong></span>4 ના મોત અને 18 મુસાફરોનો આબાદ બચાવ</p>

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં રવિવારનો દિવસ પ્રવાસીઓ માટે અમંગળ સાબિત થયો છે. બંજર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સોઝા નજીક 22 મુસાફરોને લઈ જતી એક બસ ચાલકે કાબૂ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 4 પ્રવાસીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 18 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, પ્રવાસીઓથી ભરેલી આ બસ જ્યારે સોઝા નજીકના પહાડી રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક જોખમી વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતાની સાથે જ બસ સીધી ઊંડી કોતરમાં જઈ પડી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક રહીશો અને વહીવટી તંત્ર મદદ માટે દોડી આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતા જ DDMA કુલ્લુ, પોલીસ, મહેસૂલ વિભાગ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી વહીવટી તંત્રએ સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ખીણમાંથી 18 ઈજાગ્રસ્ત મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

તંત્રની તત્પરતાને કારણે વધુ જાનહાનિ ટળી હતી, કુલ્લુના ડેપ્યુટી કમિશનર અનુરાગ ચંદ્રાએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે, જેમાં 2 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. બચાવી લેવામાં આવેલા તમામ 18 ઈજાગ્રસ્તોને તાત્કાલિક બંજરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. તબીબોના જણાવ્યા અનુસાર હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર અને ખતરાથી બહાર છે. અકસ્માત પાછળ ચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ ટેકનિકલ ખામી, તે જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.