આનંદ અને નશા માટે વપરાતા ઈથરે કેવી રીતે બદલી નાખ્યું તબીબી વિજ્ઞાન? જાણો એનેસ્થેસિયાની શોધનો રસપ્રદ ઈતિહાસ...
આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના ઇતિહાસમાં ઘણી એવી શોધો છે જે અકસ્માતે થઈ હોય, પરંતુ એનેસ્થેસિયાની શોધની વાર્તા કોઈ ફિલ્મી પ્લોટથી ઓછી નથી. આજે આપણે જ્યારે કોઈ ઓપરેશનની વાત સાંભળીએ છીએ ત્યારે સૌથી પહેલો વિચાર એનેસ્થેસિયા એટલે કે દર્દીને બેભાન કરીને પીડામુક્ત કરવાનો આવે છે, પરંતુ આ ક્રાંતિકારી વિચાર પાછળ 19મી સદીની મનોરંજક પાર્ટીઓ જવાબદાર હતી તે જાણીને આશ્ચર્ય થશે. તે સમયે અમેરિકા અને યુરોપમાં 'ઈથર ફ્રોલિક્સ' નામની પાર્ટીઓ ખૂબ જ લોકપ્રિય હતી, જેમાં લોકો આનંદ અને નશા માટે ઈથરનો ઉપયોગ કરતા હતા. આવી જ એક મહેફિલમાં હાજર રહેલા અમેરિકન સર્જન ડૉ. ક્રોફોર્ડ લોન્ગે કંઈક એવું અવલોકન કર્યું જેણે તબીબી જગતની કાયાપલટ કરી દીધી. તેમણે જોયું કે ઈથરના નશામાં ડૂબેલા લોકો જ્યારે આસપાસની વસ્તુઓ સાથે અથડાતા અથવા પડી જતા ત્યારે તેમને કોઈ ઈજાનો અહેસાસ થતો નહોતો. આ નાનકડા અવલોકને ડૉ. લોન્ગના મગજમાં એક વિચાર સ્ફુર્યો કે જો આ ઈથરનો ઉપયોગ ઓપરેશન દરમિયાન કરવામાં આવે, તો દર્દીને અસહ્ય પીડામાંથી બચાવી શકાય છે.
30 માર્ચ, 1842નો એ દિવસ તબીબી ક્ષેત્ર માટે સુવર્ણ અક્ષરે લખાયો, જ્યારે જ્યોર્જિયાના જેફરસન શહેરમાં ડૉ. ક્રોફોર્ડ લોન્ગે ઇતિહાસનું પ્રથમ પીડામુક્ત ઓપરેશન કર્યું. તેમની પાસે જેમ્સ વેનેબલ નામનો એક દર્દી આવ્યો હતો, જેના ગરદનના ભાગે ટ્યુમર હતું. તે જમાનામાં સર્જરી એટલે જીવતેજીવ ચીરફાડ જેવો ભયાનક અનુભવ હતો, પરંતુ ડૉ. લોન્ગે જોખમ ખેડીને જેમ્સને ઈથર સુંઘાડ્યું અને ગણતરીની મિનિટોમાં સફળતાપૂર્વક ટ્યુમર બહાર કાઢી લીધું. જ્યારે દર્દી હોશમાં આવ્યો ત્યારે તેને વિશ્વાસ જ ન થયો કે તેનું ઓપરેશન પૂરું થઈ ગયું છે, કારણ કે તેને જરાય પીડા થઈ નહોતી. જોકે, આ સફળતા છતાં ડૉ. લોન્ગે તત્કાલ આ વાત દુનિયા સમક્ષ રજૂ કરી નહીં. તેના ચાર વર્ષ બાદ, 1846માં વિલિયમ ટી. જી. મોર્ટન નામના ડેન્ટિસ્ટે બોસ્ટનમાં જાહેર પ્રદર્શન કરીને એનેસ્થેસિયાની તાકાત દુનિયાને બતાવી, ત્યારબાદ આ પદ્ધતિને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળી.
એનેસ્થેસિયાની આ શોધ પહેલાં સર્જરી એટલી ભયાનક હતી કે દર્દીઓ ઓપરેશન ટેબલ પર જવા કરતાં મૃત્યુને પસંદ કરતા હતા, પરંતુ ઈથરના આ પ્રયોગે તબીબી વિજ્ઞાનના દ્વાર ખોલી નાખ્યા. આજે ભલે આપણે અદ્યતન ગેસ અને ઈન્જેક્શન દ્વારા એનેસ્થેસિયા આપતા હોઈએ, પણ તેની પાયાની શોધ તો 1842ની એ નશાની પાર્ટીઓ અને ડૉ. લોન્ગની તેજ નજરને આભારી છે. આ શોધે માત્ર દર્દીઓને દર્દમાંથી મુક્તિ જ નથી અપાવી, પરંતુ જટિલ અને કલાકો સુધી ચાલતી સર્જરીઓને પણ શક્ય બનાવી છે. આજે વિશ્વભરમાં ડૉ. ક્રોફોર્ડ લોન્ગને એનેસ્થેસિયાના પિતામહ તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે નશાના એક સાધનને માનવતાના કલ્યાણ માટેના અમૂલ્ય શસ્ત્રમાં ફેરવી દીધું હતું.