વારસો જાળવી રાખ્યો! રણબીર કપૂરના લોહીમાં જ છે 'રામ'નું પાત્ર, પરદાદા પૃથ્વીરાજ કપૂરના એ ઐતિહાસિક રોલની અજાણી વાતો
બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ'નું ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ છે. ફિલ્મના વિશાળ બજેટ અને પાત્રોના લૂકની ચર્ચા અત્યારે દરેકના હોઠ પર છે. ખાસ કરીને રણબીર કપૂરના 'ભગવાન રામ' તરીકેના અવતારે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. જોકે, આ ફિલ્મ સાથે એક એવો ઐતિહાસિક સંયોગ જોડાયેલો છે જે કપૂર ખાનદાનના વારસાને ઉજાગર કરે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે રણબીર કપૂરના પરદાદા અને ભારતીય સિનેમાના સ્તંભ ગણાતા પૃથ્વીરાજ કપૂરે પણ પડદા પર ભગવાન રામની ભૂમિકા ભજવી હતી.
વર્ષ 1933 માં રિલીઝ થયેલી ફિલ્મ 'સીતા' માં પૃથ્વીરાજ કપૂરે મર્યાદા પુરુષોત્તમ રામનું પાત્ર સાકાર કર્યું હતું. દેબાકી બોઝ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને કપૂર ખાનદાનની અભિનય યાત્રામાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. પૃથ્વીરાજ કપૂર અભિનીત આ ફિલ્મ 'સીતા' માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઐતિહાસિક બની હતી. વર્ષ 1૯34માં વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને 'માનદ ડિપ્લોમા' થી સન્માનિત કરવામાં આવી હતી.
નોંધનીય બાબત એ છે કે આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં પ્રદર્શિત થનારી તે પહેલી ભારતીય 'ટોકી' (બોલતી) ફિલ્મ હતી, જેણે ભારતીય સિનેમાનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું હતું. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરની સાથે તે સમયની દિગ્ગજ અભિનેત્રી દુર્ગા ખોટેએ 'સીતા' ની ભૂમિકા ભજવી હતી, જ્યારે ગુલ હમીદે લક્ષ્મણનું પાત્ર નિભાવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે ભગવાન રામના પુત્ર લવની ભૂમિકા પૃથ્વીરાજ કપૂરના ભાઈ ત્રિલોક કપૂરે ભજવી હતી. આમ, લગભગ એક સદી પહેલા પણ કપૂર પરિવારના સભ્યોએ રામાયણના મહાકાવ્યને રૂપેરી પડદે જીવંત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
લાંબા અંતરાલ બાદ રણબીર કપૂર હવે તે જ વારસાને આગળ ધપાવી રહ્યો છે. 'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂરનો અભિનય જોઈને વિવેચકો કહી રહ્યા છે કે તેને આ પાત્ર તેના પરદાદા પાસેથી વારસામાં મળ્યું હોય તેમ લાગે છે. ટીઝરમાં રણબીરના ચહેરા પરની શાંતિ અને પ્રભામંડળ ભગવાન રામના વ્યક્તિત્વને અનુરૂપ હોવાના વખાણ સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ આધુનિક 'રામાયણ' માં ટેકનોલોજી અને પૌરાણિક કથાનો અદભૂત સંગમ જોવા મળે છે. આમ, રણબીર કપૂરની 'રામાયણ' માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે કપૂર ખાનદાનની ચાર પેઢીઓનું સંસ્મરણ છે.