રાજકોટ જૂની કલેક્ટર કચેરી પરિસરમાં વર્ષો જૂની સરકારી ઇમારતો 'પડુ-પડુ' હાલતમાં...જાનહાનિની ભીતિ
રાજકોટમાં વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ તંત્ર ગરીબ પરિવારોના ગેરકાયદેસર મકાનોને તોડી પાડવા માટે અત્યંત સક્રિયતા બતાવી તાત્કાલિક મંજૂરીઓ મેળવી લે છે, પરંતુ બીજી તરફ પોતાની જ માલિકીની ભયગ્રસ્ત સરકારી ઇમારતોને હટાવવામાં વર્ષોથી નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે. રાજકોટની જૂની કલેક્ટર કચેરીના પરિસરમાં આવેલી અંદાજે 7 જેટલી સરકારી ઇમારતોને છેલ્લા 20 વર્ષથી 'ભયગ્રસ્ત' જાહેર કરવામાં આવી છે.
આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા આ ઇમારતોને તોડી પાડવાને બદલે માત્ર તેની દિવાલો પર 'ભયગ્રસ્ત' હોવાની સૂચનાઓ ચોંટાડીને સંતોષ માની લેવામાં આવ્યો છે, જે વહીવટી તંત્રની બેદરકારી સૂચવે છે. શહેરમાં અનેક જગ્યાએ ડિમોલિશનની કવાયત તેજ કરવામાં આવી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જૂની કલેક્ટર કચેરીના આ બિલ્ડિંગોને પાડવાની મંજૂરી હજુ સુધી મળી શકી નથી. મંજૂરીની સરકારી ફાઇલો વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા અટવાયેલી રહેતા કેટલીક ઇમારતો તો હવે જર્જરિત થઈને પોતાની મેળે જ જમીનદોસ્ત થવા માંડી છે.

જૂની કલેક્ટર કચેરીના આ પરિસરમાં માત્ર વહીવટી કચેરીઓ જ નહીં, પરંતુ ફેમિલી કોર્ટ અને બે કન્ઝ્યુમર ફોરમ જેવી મહત્વની સંસ્થાઓ પણ આવેલી છે. દરરોજ હજારો અરજદારો અને વકીલો આ કેમ્પસની મુલાકાત લેતા હોય છે. લોકોની સતત અવરજવર ધરાવતા આ વિસ્તારમાં ગમે ત્યારે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની અને મોટી જાનહાનિ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.આ પરિસરમાં આવેલી ઓલ્ડ વેસ્ટ હોસ્પિટલ જેવી ઇમારતો તો 100 વર્ષથી પણ વધુ જૂની હોવાનો અંદાજ છે.
બે દાયકાથી ભયગ્રસ્ત હોવા છતાં તેનું અસ્તિત્વ ટકાવી રાખવું એ હવે હેરિટેજને બદલે ખતરો બની ગયું છે. તંત્રની આ નિષ્ક્રિયતા સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સરકાર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે?જૂની કલેક્ટર કચેરીમાં કાર્યરત અન્ય ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓ 'પડુ-પડુ' હાલતમાં ઉભી રહેલી આ ઇમારતોના ઓથાર નીચે જીવી રહ્યા છે. જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે કે જો આ ઇમારતો તૂટી પડે અને કોઈ નાગરિકનો જીવ જાય, તો તેના માટે જવાબદાર કોણ ગણાશે? શું સરકાર મંજૂરીની ફાઇલોની ઉપર માનવીય જીવને મહત્વ આપશે?