ચાંદી વેચો, રોકડા મેળવો: અમદાવાદ સહિત 7 શહેરોમાં શરૂ થઈ ગઈ અનોખી બાયબેક સર્વિસ

શું તમારી પાસે જૂની ચાંદીના ઘરેણાં, સિક્કા કે બાર પડ્યા છે અને તમે તેને વેચીને રોકડ મેળવવા માંગો છો? સામાન્ય રીતે ચાંદી વેચતી વખતે સોની દ્વારા શુદ્ધતા કે વજનના નામે કાપ મૂકવામાં આવતો હોય છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભારતની જાણીતી કંપની MMTC-PAMP એ અમદાવાદ સહિત દેશના 7 શહેરોમાં દેશની પહેલી 'ઓર્ગેનાઈઝ્ડ સિલ્વર બાયબેક સ્કીમ' શરૂ કરી છે, જેમાં ગ્રાહકોને તેમની ચાંદીનું પૂરેપૂરું વળતર સીધું બેંક ખાતામાં મળશે. ગ્રાહકોને છેતરામણીથી બચાવવા માટે કંપનીએ પ્યુરિટી વેરિફિકેશન સેન્ટર્સ કાર્યરત કર્યા છે.
અહીં ગ્રાહકની નજર સામે જ ચાંદીને ગલાવીને XRF ટેક્નોલોજી દ્વારા તેની ચોક્કસ શુદ્ધતા તપાસવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે, જેથી ગ્રાહકોને તેમની સંપત્તિનું સાચું મૂલ્ય મળી રહે. ચાંદીની શુદ્ધતા ચકાસ્યા પછી, તે સમયના પ્રવર્તમાન બજાર ભાવ મુજબ ગ્રાહકને વળતર આપવામાં આવશે. આ રકમ કોઈપણ વિલંબ વગર સીધી ગ્રાહકના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રક્રિયાથી ગ્રાહકોને રોકડ મેળવવામાં સરળતા રહેશે અને સુરક્ષા પણ જળવાઈ રહેશે. હાલમાં આ સર્વિસ અમદાવાદ, મુંબઈ, નવી દિલ્હી, કલકત્તા, ભુવનેશ્વર, ગુવાહાટી અને લુધિયાણાના એક્સક્લૂસિવ બ્રાન્ડ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
આગામી નાણાકીય વર્ષ સુધીમાં આ સ્કીમ સમગ્ર દેશમાં લાગુ કરવાની કંપનીની યોજના છે. MMTC-PAMP ના એમડી અને સીઈઓ સમિત ગુહાએ જણાવ્યું હતું કે, “ભારતીય પરિવારો પાસે ટનબંધ ચાંદી પડી છે. વિશ્વમાં ચાંદીની માંગ જે ઝડપે વધી રહી છે તેની સામે સપ્લાય ઓછી છે. આ બાયબેક સ્કીમ દ્વારા જૂની ચાંદીને રિસાયકલ કરીને બજારમાં લાવવામાં આવશે, જે માંગ અને સપ્લાય વચ્ચેના અંતરને ઘટાડવામાં મદદરૂપ થશે.” ભારત સરકારની કંપની MMTC Limited અને સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત MKS PAMP ગ્રુપનું સંયુક્ત સાહસ છે. જે તેની વિશ્વસનીયતા અને આંતરરાષ્ટ્રીય સ્તરની શુદ્ધતા માટે જાણીતું છે.